December 22, 2024

કેનેડાનું કબૂલનામુંઃ હિંદુ મંદિર પર હુમલામાં સામેલ હતો પોલીસ ઓફિસર, સસ્પેન્ડ કર્યો

નવી દિલ્હીઃ કેનેડામાં હિંદુ મંદિરો પર થયેલા હુમલામાં ટ્રુડોની પોલીસ પણ ખાલિસ્તાનીઓની સાથે મિલીભગત છે. કેનેડાએ પોતે આનો પુરાવો આપ્યો છે. હકીકતમાં બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર ખાલિસ્તાની હુમલામાં એક પોલીસકર્મી પણ સામેલ હતો. કેનેડાએ ખુદ તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરીને તેનો પુરાવો આપ્યો છે. કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલો કરનારા ખાલિસ્તાની જૂથોમાં સામેલ એક કેનેડિયન પોલીસકર્મીને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને જોઈ શકાય છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ અન્ય લોકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. તે પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે કામ કરતો હતો. પીલ પ્રાદેશિક પોલીસે પુષ્ટિ કરી છે કે, તેઓ એક ઓનલાઈન વીડિયોથી વાકેફ છે જેમાં ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીને પ્રદર્શનમાં ભાગ લેતા જોઈ શકાય છે. મીડિયા રિલેશન ઓફિસર રિચર્ડ ચિને CBCને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સમુદાય, સુરક્ષા અને પોલીસિંગ એક્ટ હેઠળ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.’