January 28, 2025

CAA કાયદા હેઠળ કોને નાગરિકતા મળશે? કેવી રીતે મળશે?

caa eligibility criteria application process all details

ફાઇલ તસવીર

અમદાવાદઃ કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતુ કે, ‘મોદી સરકારે નાગરિકતા સંશોધન નિયમો 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોને કારણે ભારત આવેલા લઘુમતીઓને નાગરિકતા મળશે.’

CAA શું છે?
CAA એટલે સિટિઝનશિપ અમેનમેન્ડ એક્ટ – નાગરિકતા સુધારો કાયદો. આ બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2019માં રજૂ કરવામાં આવ્યું હતું. 2019માં જ આ બિલને લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

કોને-કોને નાગરિકતા મળશે?
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકો, જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં આવીને સ્થાયી થયા હતા. ભલે તેમની પાસે ભારત આવવા માટે માન્ય દસ્તાવેજો ન હોય.

નાગરિકતા કેવી રીતે મેળવવી શકાશે?
આ કાયદા હેઠળ નાગરિકતા માટે માત્ર અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે સરકાર ટૂંક સમયમાં એક વેબ પોર્ટલ શરૂ કરશે.

CAA ક્યાં નહીં થાય લાગુ?
દેશભરમાં CAA લાગુ કરવામાં આવશે નહીં. આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય. જે બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષિત છે. આ સાથે જ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આ કાયદો લાગુ નહીં થાય કે જ્યાં ઈનર લાઈન પરમિટ સિસ્ટમ છે.

નાગરિકતાના નિયમો શું છે?
1955ના નાગરિકતા કાયદા હેઠળ, ભારતીય નાગરિક બનવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું આવશ્યક છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોને ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, ભલે તે કોઈપણ ધર્મનો હોય.