January 18, 2025

Budget 2024: ક્યારે અને કોણે રજૂ કર્યું હતું સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ? ક્યારે થયું હતું લીક?

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે એ જાણવું ખૂબ જ મહત્વનું થઈ જાય છે કે સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું હતું. અને શું તમે જાણો છો 1950માં બજેટ લીક પણ થઈ ગયું હતું?

સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કયારે થયું હતું રજૂ?
સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ દેશના પહેલા નાણામંત્રી આરકે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. જોકે આ એક રીતે ભારતીય અર્થવ્યવસ્થાની સમીક્ષા રિપોર્ટ હતી. આ બજેટમાં કોઈ જ નવા ટેક્સની જાહેરાત નહોતી કરવામાં આવી. આ બજેટની કુલ રકમનો 46% હિસ્સો એટલે કે લગભગ 92 કરોડ રૂપિયા રક્ષા સેવાઓ માટે ફાળવવામાં આવ્યો હતો.

એક વૈજ્ઞાનિક અને દેશના બજેટનું જોડાણ!
એવું માનવામાં આવે છે કે સ્વતંત્ર ભારતના બજેટની કલ્પના પ્રો. પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા કરવામાં આવી હતી. તેમણે જ સ્વતંત્ર ભારતના બજેટનો વિચાર રજૂ કર્યો હતો. તેઓ ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડનમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત બંનેમાં ડિગ્રી મેળવી. તેઓ ભારતના આયોજન પંચના સભ્ય પણ રહી ચૂક્યા છે. આર્થિક આયોજન અને આંકડાકીય વિકાસના ક્ષેત્રમાં પ્રશાંત ચંદ્ર મહાલનોબિસના મહત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં, ભારત સરકાર દર વર્ષે 29 જૂને તેમના જન્મદિવસને ‘આંકડા દિવસ’ તરીકે ઉજવે છે.

…જ્યારે લીક થઈ ગયું હતું દેશનું બજેટ
વર્ષ 1950માં દેશનું કેન્દ્રીય બજેટ ગૃહમાં રજૂ થાય તે પહેલા જ લીક થઈ ગયું હતું. જે બાદ બજેટ છાપવાનું કામ રાષ્ટ્રપતિ ભવનથી મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1980થી નોર્થ બ્લોક સ્થિત સરકારી પ્રેસમાંથી બજેટ છાપવાનું શરૂ થયું.

દરેક નાણાકીય વર્ષ માટે રજૂ થાય છે કેન્દ્રીય બજેટ 
ભારતીય બંધારણની કલમ 112 હેઠળ, સરકારે દરેક નાણાકીય વર્ષની શરૂઆત પહેલા સંસદમાં કેન્દ્રીય અથવા વચગાળાનું બજેટ રજૂ કરવું જરૂરી હોય છે. વચગાળાનું બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ એ કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને ખર્ચને લાગતો દસ્તાવેજ છે. નાણાકીય વર્ષ દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય છે અને આવતા વર્ષની 31 માર્ચે સમાપ્ત થાય છે. ભારત સરકાર દ્વારા બજેટ રજૂ કરવાની શરૂઆત 19મી સદીમાં જ થઈ ગઈ હતી.