Budget 2024 Live: નાણાં મંત્રીએ ખોલ્યો ખજાનો, જાણો કઈ-કઈ મોટી જાહેરાત કરી
અમદાવાદઃ અમદાવાદઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 11 વાગ્યે બજેટ વાંચવાની શરૂઆત કરી છે. આ પહેલા તેમણે ગઈકાલે સંસદમાં આર્થિક સરવે રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ છે. નાણા મંત્રી રૂપે નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ છે.
LIVE UPDATE…
- ઇન્કમટેક્સ અંગે સરકારની જાહેરાત
0થી 3 લાખ – NIL
3થી 7 લાખ – 5 ટકા
7થી 10 લાખ – 10 ટકા
10થી 12 લાખ – 15 ટકા
12થી 15 લાખ – 20 ટકા
15 લાખથી વધુ – 30 ટકા
- ઈ-કોમર્સ ઓપરેટરો માટે TDS 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કર્યો – ટેક્સ સિસ્ટમ અંગે નાણા મંત્રીએ કહ્યું કે, ચેરિટી કેસમાં બે અલગ સિસ્ટમને બદલે એક ટેક્સ મુક્તિ સિસ્ટમ હશે. આ ઉપરાંત વિવિધ ચૂકવણીઓ માટે પાંચ ટકા ટીડીએસને બદલે બે ટકા ટીડીએસની જોગવાઈ હશે. મ્યુચ્યુઅલ ફંડ અથવા યુટીઆઈની પુનઃખરીદી પર 20 ટકા TDS પાછો ખેંચી લેવામાં આવી છે. ઈ-કોમર્સ ઓપરેટરો માટે TDS 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.
- સોનું અને ચાંદી સસ્તા થશે – મોબાઈલ ફોન અને ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થયો છે. મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. કેન્સરના દર્દીઓ માટે વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા ઘટશે.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તબક્કો 4 શરૂ – નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘25,000 ગ્રામીણ વસવાટને તમામ હવામાનમાં રસ્તાઓ આપવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો તબક્કો 4 શરૂ કરવામાં આવશે. બિહારમાં અવારનવાર પૂર આવે છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં બનાવવાની યોજના હજુ આગળ વધી નથી. અમારી સરકાર અંદાજિત 11,500 કરોડ રૂપિયાના ખર્ચે નાણાકીય સહાય પૂરી પાડશે. આસામ દર વર્ષે પૂરનો સામનો કરે છે, તેને પૂર વ્યવસ્થાપન અને સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સહાય મળશે. હિમાચલ પ્રદેશ, જેણે પૂરને કારણે વ્યાપક નુકસાન સહન કર્યું છે, તેને પણ બહુપક્ષીય સહાય દ્વારા પુનર્નિર્માણ માટે સમર્થન મળશે. વધુમાં, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે વ્યાપક નુકસાન થયું છે, તેને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.’
- નાદારીના કેસ માટે યુનિફાઇડ ટેક્નોલોજી પ્લેટફોર્મ બનાવશે – નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘નાદારી અને નાદારી કોડ હેઠળ પરિણામો સુધારવા માટે એક સંકલિત ટેક્નોલોજી પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવશે. ડેટ રિકવરી ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવશે અને વસૂલાતને ઝડપી બનાવવા માટે વધારાની ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવશે.’
- થર્મલ પ્લાન્ટનું નિર્માણ સુપર ક્રિટિકલ ટેક્નોલોજીના આધારે કરવામાં આવશે – નાણા મંત્રી સીતારમણે કહ્યું કે, ‘NTPC અને BHEL વચ્ચેનું સંયુક્ત સાહસ AUSC (એડવાન્સ્ડ અલ્ટ્રા સુપરક્રિટિકલ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 100 મેગાવોટનો કોમર્શિયલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે.’ દેશમાં નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટરના વિકાસ પર નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે, ‘ભારત નાના રિએક્ટર સ્થાપવા, નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ અને પરમાણુ ઊર્જા માટે નવી તકનીકોના સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરી રહ્યું છે.’
- ધાર્મિક પ્રવાસન વધારવા પર સરકારનો ભાર – પર્યટનના વિકાસ પર કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન છે. બોધગયાના મહાબોધિ મંદિર માટે કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગયાના વિષ્ણુપાદ મંદિર માટે કોરિડોર બનાવવામાં આવશે. આ કાશી વિશ્વનાથ કોરિડોરના વિકાસ પર આધારિત હશે. રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે મજબૂત કરવા માટે ત્યાં વિકાસ પણ થશે.
- સૂર્યોદય મફત વીજળી યોજના શરૂ – મફત સૌર વીજળી યોજના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. તેનાથી 1 કરોડ પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. તેનાથી લોકોને પ્રોત્સાહન મળશે.’
- બિહારને આપશે મોટી ભેટ – નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘બિહારના પીરપેંટીમાં રૂપિયા 21,400 કરોડના ખર્ચે 2400 મેગાવોટનો નવો પાવર પ્લાન્ટ સ્થાપવા સહિત પાવર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. બહુપક્ષીય વિકાસ બેંકો પાસેથી બાહ્ય સહાય માટેની બિહાર સરકારની વિનંતીઓ પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે. અમારી સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં આપેલી પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવાના પ્રયાસો કર્યા છે. રાજ્યની મૂડીની જરૂરિયાતને ઓળખીને અમે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા વિશેષ નાણાંકીય સહાયની સુવિધા આપીશું. વર્તમાન નાણાંકીય વર્ષમાં ભાવિ વર્ષોમાં વધારાની રકમ સાથે રૂપિયા 15,000 કરોડની જોગવાઈ કરવામાં આવશે. અમારી સરકાર આંધ્રપ્રદેશ અને તેના ખેડૂતો માટે જીવનરેખા સમાન પોલાવરમ સિંચાઈ પરિયોજના વહેલી તકે પૂર્ણ કરવા અને ભંડોળ પૂરું પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.’
- 10 લાખ કરોડના રોકાણથી 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂરી થશે. 1 કરોડ ઘરો માટે રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે.
- સર્વિસ સેક્ટર માટે નાણામંત્રીનું એલાન – સરકારી યોજનાઓ દ્વારા ખાનગી ક્ષેત્રને દરેક ક્ષેત્રમાં મદદ પૂરી પાડવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા કંપનીઓને રૂપિયા 3.3 લાખ કરોડ આપવામાં આવ્યા. વિવાદોના સમાધાન માટે વધારાની ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે. વસૂલાત માટે વધારાની ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે. શહેરોના ક્રિએટિવ રીડેવલપમેન્ટ માટે પોલિસી લાવવામાં આવશે.
- મહિલાઓ અને છોકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડ – મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાખા ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.
- 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ – નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ‘સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. તેમાં યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.’
- વ્યવસાય ચાલુ રાખવા માટે MSMEs માટે વિશેષ ક્રેડિટ પ્રોગ્રામ – મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી છે. SIDBIની પહોંચ વધારવા માટે આગામી 3 વર્ષમાં નવી શાખાઓ ખોલવામાં આવશે. જેમાંથી આ વર્ષે 24 શાખાઓ ખુલશે. 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટના સેટઅપ માટે મદદ પૂરી પાડશે. MSMEને ફૂડ સેફ્ટી લેબ ખોલવા માટે મદદ આપવામાં આવશે. ઈ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર સાથે મળીને એક યોજના શરૂ કરવામાં આવશે. સરકાર 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપવાની જોગવાઈ કરશે.
- પ્રથમ વખત નોકરી શોધનારાઓને ભેટ – સરકારની નવ પ્રાથમિકતાઓમાંની એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. આ અંતર્ગત પ્રથમ વખત નોકરી શોધનારાઓને મોટી મદદ મળવા જઈ રહી છે. પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. આ લાભ લેવા માટેની પાત્રતા મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.
- 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો પર ફોકસ – નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પાંચ યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયાનો કેન્દ્રીય ખર્ચ થશે. આ બજેટમાં અમે રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
- સરકાર ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ સુધીની લોન આપશે.
- અગાઉથી જાહેર કરાયેલી કેટલીક યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતીમાં સંશોધનનું પરિવર્તન, નિષ્ણાતો દ્વારા દેખરેખ અને આબોહવા અનુસાર નવી વેરાયટીને પ્રોત્સાહન આપવું. આગામી એક વર્ષમાં એક કરોડ ખેડૂતો કુદરતી ખેતીમાં જોડાશે. કઠોળ અને દાળમાં આત્મનિર્ભરતા માટે ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સનફ્લાવર અને સોયાબીન જેવા પાકો પર રહેશે.
- PM ગરીબ કલ્યાણ યોજના પાંચ વર્ષ માટે લંબાવી
નાણામંત્રીએ કહ્યું કે, ‘અમે પીએમ ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે. 80 કરોડથી વધુ ગરીબ લોકોને તેનો લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ માટે પાંચ યોજનાઓના પેકેજની જાહેરાત કરી. તેનાથી પાંચ વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાનોને ફાયદો થશે. આ યોજનાઓ પાછળ બે લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારતનો રોડમેપ આપવાનું વચન આપ્યું હતું.’ - સરકારના બજેટમાં 9 પ્રાથમિકતા
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારના બજેટમાં નવ પ્રાથમિકતાઓ છે, જેમાં સમાવેશ થાય છે-
1. ખેતીમાં ઉત્પાદકતા
2. રોજગાર અને ક્ષમતા વિકાસ
3. સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
4. ઉત્પાદન અને સેવાઓ
5. શહેરી વિકાસ
6. ઊર્જા સુરક્ષા
7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર
8. નવીનતા, સંશોધન અને વિકાસ
9. નેક્સ્ટ જનરેશનના સુધારા - નિર્મલા સીતારમણે બજેટ વાંચવાની શરૂઆત કરી
- લોકસભાની શરૂઆત, થોડીવારમાં બજેટની રજૂઆત કરશે.
- નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લાલ રંગના કવરમાં ટેબલેટ સાથે સંસદ પહોંચ્યા.
- નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ત્યાંથી તેઓ સંસદ માટે રવાના થયા છે.
- નાણા મંત્રી નિર્મલા સીતારમણ તેમની ટીમ સાથે નોર્થ બ્લોકમાં આવેલા નાણા મંત્રાલયમાંથી હાથમાં લાલ રંગનું બજેટ ટેબલેટ લઈને બહાર નીકળ્યા છે. ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થયા છે. આજે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે.
- નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. તે પહેલાં નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલય પહોંચ્યા છે. અહીં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ લોકસભામાં બજેટ રજૂ કરશે. તેમનો રાષ્ટ્રપતિ ભવન જવાનો કાર્યક્રમ પણ છે.