December 18, 2024

Budget 2024: ઇન્દિરા ગાંધી સહિત દેશના 3 વડાપ્રધાનો પણ રજૂ કરી ચૂક્યા છે કેન્દ્રીય બજેટ!

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત નાણામંત્રી બનેલ નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે, એક સમયે માત્ર અંગ્રેજીમાં રજૂ થતું બજેટ હિન્દીમાં ક્યારે શરૂ થયું અને કેન્દ્રીય બજેટ સાથે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું શું છે ખાસ કનેક્શન?

હિન્દીમાં બજેટની ક્યારે થઈ શરૂઆત?
શરૂઆતમાં બજેટને લગતા તમામ દસ્તાવેજ માત્ર અંગ્રેજી ભાષામાં જ રજૂ કરવામાં આવતા અને છાપવામાં આવતા હતા. વર્ષ 1955-56માં બજેટને અંગ્રેજી અને હિન્દી ભાષામાં રજૂ અને છાપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Budget 2024: કોના નામે છે સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ?

ભારતના ત્રણ પ્રધાનમંત્રીઓએ પોતે રજૂ કર્યું હતું બજેટ
સામાન્ય રીતે દેશનું બજેટ દેશના નાણામંત્રી રજૂ કરતાં હોય છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ વડાપ્રધાન પદેથી વર્ષ 1958-59માં બજેટ રજૂ કર્યું હતું. પંડિત નેહરુ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ પીએમ પદેથી વર્ષ 1970-71માં બજેટ રજૂ કર્યું હતું. તેમજ કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પહેલા મહિલા પણ હતા. ઇન્દિરા ગાંધીના દીકરા રાજીવ ગાંધીએ પણ નાણાકીય વર્ષ 1987-88નું બજેટ પીએમ પદ પર રહીને રજૂ કર્યું હતું.

ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રજૂ કરાયેલ બજેટ કેમ કહેવાયું ‘બ્લેક બજેટ’?
વર્ષ 1973-74માં રજૂ કરવામાં આવેલ બજેટને દેશના ઇતિહાસમાં ‘બ્લેક બજેટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ બજેટ તત્કાલીન નાણામંત્રી યશવંત રાવ બી. ચવ્હાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં 550 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી. આ ખોટ તે સમયની સૌથી મોટી ખોટ હતી. વર્ષ 1971માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધ અને ખરાબ ચોમાસાની આ બજેટ પણ ખાસ્સી અસર જોવા મળી હતી.