January 26, 2025

દેશમાં કડડભૂસ થતાં પુલ, 17 દિવસમાં 12, 10 વર્ષમાં 214 પુલ તૂટયા, પણ કેમ?

Bridge Collapse: બિહારથી છેલ્લા કેટલાંક દિવસોથી એક પ્રકારના સમાચાર સતત આવી રહ્યા છે અને તે છે પુલ તૂટવાની ઘટનાઓના સમાચાર. વાસ્તવમાં, બિહારમાં છેલ્લા 18 દિવસમાં 12 પુલ તૂટી ચૂક્યા છે. આ વર્ષે, બિહારમાં પુલ તૂટવાનો ઘટનાક્રમ 18 જૂનથી શરૂ થયો, જ્યારે સૌથી પહેલા અરરિયા જિલ્લાના સિકટી તાલુકાનો એક પુલ તૂટી પડ્યો હતો. ત્યારબાદ, પુલ તૂટવાનો સિલસિલો શરૂ થયો અને 15 જ દિવસમાં લગભગ 10 જેટલા પુલ ધરાશાયી થઈ ગયા. જો નાના પુલની પણ એકસાથે ગણતરી કરવામાં આવે તો 3 જુલાઈના રોજ એક જ દિવસમાં 5 પુલ ધરાશાયી થયા હતા. જોકે, આ વખતે પુલ તૂટી પાડવાની ઘટના કોઈ નવી નથી.

વાસ્તવમાં ભારતમાં પુલ તૂટી પડવાનો સિલસિલો ઘણા સમયથી ચાલી રહ્યો છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પુલ તૂટી પડતાં હોય છે. એવામાં, તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તૂટી જવાનો ટ્રેક રેકોર્ડ શું રહ્યો છે અને શા માટે પુલ તૂટી પડવાની ઘટનાઓ સતત બની રહી છે.

દેશભરમાં કુલ કેટલા પુલ ધરાશાયી થયા?
જો આપણે સમગ્ર ભારતના આંકડાઓ પર નજર કરીએ તો, એક રિપોર્ટ અનુસાર, ગટર અને ફૂટઓવર બ્રિજને બાદ કરતાં ભારતમાં 1977 થી 2017 દરમિયાન 2130 બ્રિજ ધરાશાયી થયા છે. આ રિસર્ચ મુજબ ભારતમાં પુલનું સરેરાશ આયુષ્ય 34.5 વર્ષનું છે. ત, જો આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તૂટી પાડવાની ઘટનાઓ પર નજર કરીએ, તો એક રિપોર્ટમાં, NCRBના ડેટા અનુસાર જાણવા મળે છે કે વર્ષ 2012 અને 2021 દરમિયાન બ્રિજ તૂટી જવાના 214 કેસ નોંધાયા છે.

NCRBના ડેટા મુજબ, દેશભરમાં પુલ તૂટી જવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. 2012-2013માં બ્રિજ તૂટી પડવાની ઘટનાઓની સરેરાશ સંખ્યા 45 હતી, જે 2021માં ઘટીને 8 થઈ ગઈ.

વર્ષ પુલ તૂટવાના કિસ્સાઓ
2012 45
2013 45
2014 16
2015 22
2016 19
2017 10
2018 17
2019 23
2020 9
2021 8

કેટલા લોકોના મોત થયા?
પુલ ધરાશાયી થવાથી દર વર્ષે અનેક લોકોના મોત પણ થાય છે. 2012 થી 2021 સુધીમાં બ્રિજ તૂટી પડવાના કારણે 285 લોકોના મોત થયા હતા. જેમાં 2012માં 62, 2013માં 53, 2014માં 12, 2015માં 24, 2016માં 47, 2017માં 10, 2018માં 34, 2019માં 26, 2020માં 10, 2021માં 5 લોકોના મોત થયા છે. જ્યારે, વર્ષ 2022માં ગુજરાતમાં મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટના બની હતી. મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડવાને કારણે 141 લોકોના મોત થયા હતા.

કેમ ધરાશાયી થઈ રહ્યા છે પુલ?
એક રિપોર્ટ અનુસાર પુલ તૂટી પડવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાં, ડિઝાઈન, બ્રિજ બનાવવામાં વપરાતું નબળું મટિરિયલ, બેદરકારી, પુલની ઉંમર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુદરતી આફત પણ પુલ તૂટી પડવાનું મહત્ત્વનું કારણ છે. અહેવાલો અનુસાર, 80.30 પુલ તૂટી પડવાની ઘટનાઓ કુદરતી આફતોના કારણે બને છે. ત્યારબાદ, પુલ તૂટવાની 10.10 ટકા ઘટનાઓ ખરાબ સામગ્રીને કારણે, 3.28 ટકા બ્રિજ ઓવરલોડિંગને કારણે અને 2.19 ટકા માનવ સર્જિત આફતોને કારણે થાય છે. તો સાથે સાથે, રેત ખનન પણ પુલ તૂટી પડવાનું એક કારણ છે.