October 23, 2024

BRICS Summit 2024: PM મોદીએ BRICSમાં આતંકવાદ પર કર્યા આકરા પ્રહારો

BRICS Summit 2024: રશિયાના કઝાન શહેરમાં BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે BRICS સમિટનું સત્ર શરૂ થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્રની શરૂઆતમાં નેતાઓને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે 30 થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જૂથ કાર્યક્ષમતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેઠકમાં તેના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.

PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે કઝાનમાં BRICS સમિટ પહેલા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે હાથ મિલાવ્યા અને પછી તેમને ગળે લગાવ્યા. આ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારત બ્રિક્સના નવા દેશોને આવકારવા તૈયાર છે: પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી બ્રિક્સ સમિટના સત્રમાં જણાવ્યું હતું કે, ભારત બ્રિક્સ ભાગીદાર દેશ તરીકે નવા દેશોને આવકારવા તૈયાર છે. આ અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને તેના સ્થાપક સભ્યોનો અભિપ્રાય હોવો જોઈએ. બ્રિક્સનું સન્માન કરવું જોઈએ. જોહાનિસબર્ગ સમિટમાં અમે અપનાવેલા માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો અને પ્રક્રિયાઓનું તમામ સભ્ય અને ભાગીદાર દેશોએ પાલન કરવું જોઈએ.

આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને બહુપક્ષીય વિકાસ બેંક, WTO જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે સમયસર આગળ વધવું જોઈએ. બ્રિક્સના પ્રયાસોને આગળ વધારતી વખતે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સંગઠનની છબી એવી ન હોવી જોઈએ કે આપણે વૈશ્વિક સંસ્થાઓને સુધારવા માંગતા નથી, પરંતુ તેમને બદલવા માંગીએ છીએ.

બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે, અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ વગેરે જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ વિભાજન સહિત ટેક્નોલોજીના યુગમાં, સાયબર સુરક્ષા, ડીપ ફેક, ડિસઇન્ફોર્મેશન જેવા નવા પડકારો ઉભરી આવ્યા છે. હું માનું છું કે આવી સ્થિતિમાં બ્રિક્સ એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ લોકો-કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને સંદેશો આપવો જોઈએ કે બ્રિક્સ એ વિભાજનકારી નથી પરંતુ જાહેર હિતનું જૂથ છે.”

રશિયામાં ચાલી રહેલી બ્રિક્સ સમિટમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આપણે બધાએ આતંકવાદ અને ટેરર ​​ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે આપણે એક થવુ પડશે. તેમણે તમામ દેશોને આમાં મજબૂતીથી સહયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં કહ્યું, આવા ગંભીર મુદ્દા પર બેવડા ધોરણો માટે કોઈ જગ્યા નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જોઈએ. આપણે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર સાથે મળીને કામ કરવું પડશે.”