September 8, 2024

અમૂલનાં મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાએ કહ્યુ – ઓર્ગેનાઇઝેશનને ચલાવવા ઇન્ટિગ્રિટી ખૂબ જરૂરી

અમદાવાદઃ ‘Intergrity, Intergrity and Integrity…’ આ શબ્દો છે અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાના. તેમના જ શબ્દોમાં વાંચો તેમની અમૂલ સાથેની સફર અને સંઘર્ષ કહાણી…

અમૂલના બ્રાન્ડ મેનેજર જયેન મહેતા જણાવે છે કે, ‘અમે વેકેશનમાં એડવર્ડટાઇઝના નંબર લખીએ કે, પહેલી કઈ આવી, બીજી કઈ આવી. આ એડના ટાઇમ કમ્પેર કરતા હતા. પછી નક્કી કરતા હતા કે, આ વર્ષે આનો સમય વધારે છે, ગયા વર્ષે ઓછો હતો. ત્યાંથી મને મીડિયા, માર્કેટિંગ અને તેને લગતા વિષયોમાં રસ વધારે જાગ્યો હતો. ત્યારબાદ મેં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર મારા પસંદગીના વિષય હોવા છતાં ઇરમા ઇન્સ્ટિટ્યૂટમાંથી મેનેજમેન્ટ કર્યું છે. ત્યારબાદ ઇરમા કેમ્પસ પ્લેસમેન્ટમાંથી મને અમૂલમાં 1991માં જોબ મળી હતી. છેલ્લા 33 વર્ષથી હું અમૂલ સાથે જોડાયેલો છું અને હાલમાં બ્રાન્ડ મેનેજર તરીકે સેવા આપી રહ્યો છુ, આગળ પણ આપવા માગીશ.’

આ પણ વાંચોઃ ‘Aava Natural Mineral Water’નાં બ્રાન્ડ મેનેજર અવંતિ મહેતાનાં શબ્દોમાં સંઘર્ષની કહાણી…

ડો. કુરિયન વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘મેં જ્યારે અમૂલ જોઈન કર્યું ત્યારથી એ જીવ્યા ત્યાર સુધી હું તેમના સંપર્કમાં રહ્યો છું. હું લકી છું કે તેમની સાથે મેં કામ કર્યું છે. તેમની સાદગી, સચોટ વિચારધારા અને વિઝન, મેનેજમેન્ટની કામગીરી અને એકસાથે 200 ડેરી ખોલવી, લાખો ફાર્મરને હેન્ડલ કરવા, દરેક રાજ્યની અલગ પ્રોફાઇલવાળી ડેરીને હેન્ડલ કરવી, આ સિવાય પણ પોલિટિક્સ… આ બધા સાથે ભારતને દુનિયાભરમાં નંબર 1 પર લઈ જવાની કામગીરીમાં યોગદાન આપતા રહેવું તેમની પાસેથી શીખ્યા છે. તેમણે હંમેશા અમને બે વસ્તુ શીખવાડી છે અને આજે પણ અમે તેને આધારે કામ કરીએ છીએ કે, ‘વર્ક વિધાઉટ ફિયર, વર્ક વિધાઉટ ફેવર’. જો કંઈક ભૂલ કરીએ તો પણ અમને ચિંતા નહોતી, કારણ કે તેઓ અમને સપોર્ટ કરવા ઉભા રહેતા. ઇન્ટિગ્રિટી સાથે અમે કરતા હતા. તેઓ હંમેશા માણસમાં ત્રણ વસ્તુ જ જોતા હતા કે, પહેલી ઇન્ટિગ્રિટી, બીજી ઇન્ટિગ્રિટી અને ત્રીજી ઇન્ટિગ્રિટી.’ આ કોઇપણ ઓર્ગેનાઇઝેશનને સારી રીતે ચલાવવા માટેનો મૂળ મંત્ર છે.

તેઓ વધુમાં કહે છે કે, ‘વર્ષ 1991માં અમૂલનું ટર્નઓવર 750 કરોડ આસપાસ હતું, અત્યારે તે 80 હજાર કરોડે ટર્નઓવર પહોંચી ગયું છે. દૂધ 10 લાખ લિટરમાંથી 3.10 લાખ લિટર થઈ ગયું છે. 5 લાખ ખેડૂતો તે સમયે જોડાયેલા હતા, તે વધીને 26 લાખ ખેડૂત થઈ ગયા છે. 3000 હજાર ગામડાંથી વધીને 18600 ગામડાં થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ કે, ઘણાં બધા લોકોની મહેનત ભેગી થઈને એક પ્રોડક્ટ તૈયાર થાય છે. ગ્રાહકને ખબર નથી હોતી કે, તે જે પ્રોડક્ટ ખરીદી રહ્યા છે તેની પાછળ કેટલા કર્મચારીઓ જોડાયેલા છે.’