December 18, 2024

મેરી કોમે નિવૃતિ પર તોડ્યું મૌન, કહ્યું- ‘મેં નિવૃતિની જાહેરાત નથી કરી’

નિવૃત્તિની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ જ ભારતીય મહિલા બોક્સર મેરી કોમે વધુ એક નિવેદન આપીને રમત જગતમાં સનસનાટી મચાવી દીધી છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમે પોતાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢતા કહ્યું છે કે તેના નિવેદનને તોડી મરોડીને કરવામાં આવ્યું છે અને તેનો હાલ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી.

મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી

બોક્સિંગમાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન, એમસી મેરી કોમ (મંગતે ચુંગનેઇજાંગ મેરી કોમ) નિવૃત્ત થઈ નથી. તેણે ગુરુવારે કહ્યું કે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેણે કહ્યું, ‘મેં હજુ સુધી મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી અને મારા વિચારોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે પણ મારે તેની જાહેરાત કરવી પડશે ત્યારે હું વ્યક્તિગત રીતે મીડિયા સમક્ષ હાજર થઈશ. મેં કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે જે કહે છે કે મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી છે અને આ સાચું નથી.

એક કાર્યક્રમમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી

ખરેખરમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે બુધવારે રાત્રે એક કાર્યક્રમમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ટ્રાયલ દરમિયાન મેરી કોમે તેની છેલ્લી મેચ રમી હતી.

મેરી કોમે આ ઈવેન્ટમાં કહ્યું હતું – મેં મારા જીવનમાં બધું જ હાંસલ કર્યું છે. મને હજુ પણ સ્પર્ધા કરવાની ભૂખ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના નિયમો મને આમ કરવાની મંજૂરી આપતા નથી. પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી જ બોક્સ કરવાની છૂટ છે, તેથી હું હવે કોઈ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતી નથી.

મેરી કોમ 41 વર્ષની થઈ ગઈ છે. તેણે 2012 લંડન ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 6 વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂકી છે. આવું કરનારી મેરી કોમ એકમાત્ર મહિલા બોક્સર છે. આ સિવાય તે 5 વખત એશિયન ચેમ્પિયનશિપ જીતનારી એકમાત્ર ખેલાડી પણ છે.

કોમ એશિયન ગેમ્સ (2014)માં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બોક્સર છે અને કોમનવેલ્થ ગેમ્સ (2018)માં સુવર્ણ ચંદ્રક જીતનાર પણ પ્રથમ છે. મેરી કોમની સૌથી મોટી સિદ્ધિ 2012માં આવી જ્યારે તેણે ઓલિમ્પિકમાં તેનો પહેલો બોક્સિંગ મેડલ જીત્યો. કોમે 2012 લંડન ઓલિમ્પિકમાં 51 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.