September 18, 2024

સાળંગપુર હનુમાનજીને ફ્રૂટનો શણગાર, 1000 કિલો ફ્રૂટનો ઉપયોગ

બોટાદઃ સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા શનિવારે ભવ્ય ફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારના 34 ફ્રૂટ સાથે 1000 હજાર કિલો ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. ફ્રૂટના ભવ્ય અન્નકૂટનાં દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી રાજીપો વ્યક્ત કર્યો હતો.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ અને સુવિખ્યાત એવા સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. સાળંગપુર ધામ તરીકે ઓળખાતા આ મંદિરમાં હજારોની સંખ્યામાં દાદાના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે. ત્યારે હાલ શ્રાવણ મહિનો એટલે કે ભક્તિનો મહિનો એવા ભક્તિના આ મહિનામાં સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન અલગ-અલગ પ્રકારના દાદાને શણગારો કરવામાં આવે છે.

શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર, ત્યારે દાદાને વ્હાલા ફ્રુટનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારના 34 ફ્રૂટ અને 1000 કિલો ફ્રૂટ સાથે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે શનિવાર સાથે શ્રાવણ મહિનામાં ફ્રૂટ સાથેના અલૌકિક દાદાનાં દર્શન કરી ભક્તોમાં પણ એક અનેરી લાગણી અને ખુશી જોવા મળતી હતી.

અહીં અલગ અલગ પ્રકારના કેળા, સફરજન, દ્રાક્ષ ,મોસંબી, તરબૂચ, ખારેક સહિત 34 પ્રકારના ફ્રુટો જેમાંથી અનેક એવા ફ્રુટો કે જે ક્યારેય પણ આપણે જોયા ન હોય તેવા ફ્રુટ સાથે દાદાના દર્શન કરી ભક્તો દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.