December 26, 2024

વારાણસી-નાગપુર સહિત દેશના 41 એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હી: મુંબઈની 50 થી વધુ હોસ્પિટલોને બોમ્બની ધમકી ઉપરાંત દેશના 41 એરપોર્ટને પણ બોમ્બની ધમકીઓ મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી ઉપરાંત ચેન્નાઈ, પટના અને જયપુર સહિત 41 એરપોર્ટ પર મંગળવારે બોમ્બની ધમકીના ઈ-મેલ મળ્યા હતા. જેના પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. મેઈલ મળ્યા બાદ અધિકારીઓએ કટોકટીનાં પગલાં લીધાં અને તોડફોડ વિરોધી (Anti-Sabotage) તપાસ હાથ ધરી. ઘણા કલાકોની તપાસ બાદ ખબર પડી કે આ તમામ ઈ-મેઈલ ખોટા હતા.

બપોરે 12.40 વાગ્યે exhumedyou888@gmail.com ID પરથી ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ તપાસ એજન્સીઓએ એરપોર્ટના તમામ ટર્મિનલની તપાસ કરી હતી. તેમજ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ચેન્નાઈ, વારાણસી, નાગપુર, પટના, જયપુર, કોઈમ્બતુર, વડોદરા અને જબલપુરના એરપોર્ટ એવા એરપોર્ટમાં સામેલ હતા જેમને આ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા.

મેઇલ માટે કોના પર શંકા છે
4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. આ ખોટા ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ “KNR” નામનું ઓનલાઈન જૂથ હોવાની શંકા છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે જૂથે કથિત રીતે 1 મેના રોજ દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની કેટલીક શાળાઓને સમાન ધમકીભર્યા ખોટા ઈ-મેલ મોકલ્યા હતા.

એરપોર્ટ દ્વારા મળેલા ઈ-મેલમાં લગભગ એક સરખો સંદેશ હતો: “હેલો, એરપોર્ટમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે. બોમ્બ જલ્દી ફૂટશે. તમે બધા મરી જશો.” સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ્સે તેમની સંબંધિત બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીઓ દ્વારા કરાયેલી ભલામણોને અનુસરીને આકસ્મિક યોજનાઓ લાગુ કરી હતી અને તોડફોડ વિરોધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠામાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરી, જંતુનાશક-આયુર્વેદિક દવાથી માંડીને ખાતર બનાવાય છે

દુબઈની ફ્લાઈટ રોકવી પડી
ચેન્નાઈ એરપોર્ટ પર 286 મુસાફરો સાથે દુબઈ જતી ફ્લાઈટને નકલી ધમકી મળ્યા બાદ રોકી દેવામાં આવી હતી. વિમાનમાં બોમ્બ હોવાની ચેતવણીના ઈ-મેઈલ મળ્યા બાદ તરત જ સુરક્ષા એજન્સીઓએ અનેક વિમાનોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જોકે તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હતું. બાદમાં વિમાનોને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યા બાદ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ પણ તેમના સ્તરે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અને CISF દ્વારા પણ પરિસરની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

એક દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી આપવામાં આવી હતી
બીજી બાજુ મુંબઈ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યાંની હવાઈ સેવાઓ પર કોઈ અસર થઈ નથી કારણ કે ખતરો “અસ્પષ્ટ” હતો. જો કે, નાગપુર અને પટના એરપોર્ટના અધિકારીઓએ પણ ઈ-મેઇલ દ્વારા ધમકી મળ્યા બાદ પોતપોતાના પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.

એ જ રીતે દિલ્હી એરપોર્ટને સોમવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચેતવણીનો ઈ-મેલ મળ્યો હતો, પરંતુ સંપૂર્ણ શોધ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. એપ્રિલમાં પણ આવા જ નકલી ઈ-મેલ ઘણા એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.