November 23, 2024

શિલ્પા અને રાજ કુન્દ્રાને મની લોન્ડરિંગ મામલે EDની નોટિસને પડકરા, બોમ્બો હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના કામમાં ઓછી અને કાયદાકીય બાબતોમાં વધુ વ્યસ્ત જોવા મળી રહી છે. હાલમાં જ બિહારના મુઝફ્ફરપુરમાં શિલ્પા શેટ્ટી સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટ્રેસ સહિત ચાર લોકો પર આરોપ છે કે તેઓ તેમના પ્રાઈવેટ ઈવેન્ટને કારણે સામાન્ય લોકોને ઘણી પરેશાની પહોંચાડે છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

શિલ્પા અને રાજને મુંબઈના આલીશાન જુહુ વિસ્તારમાં રહેણાંક કોમ્પ્લેક્સ અને પવન તળાવ પાસેનું તેમનું ફાર્મ હાઉસ ખાલી કરવા ED તરફથી સૂચનાઓ મળી હતી. આ મામલે શિલ્પા અને રાજે હવે EDની નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જારી કરાયેલી ઇવિક્શન નોટિસને પડકારતી બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી છે.

10 ઓક્ટોબરે સુનાવણી થશે
ED દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં, તેમને નવી દિલ્હીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળના ઓથોરિટીના આદેશ બાદ પુણેમાં પવન ડેમ નજીક સ્થિત તેમનો બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન શાખાએ બુધવારે (9 ઑક્ટોબર) EDને નોટિસ જારી કરી હતી અને ગુરુવારે (10 ઑક્ટોબર) બપોરે કેસની સુનાવણી માટે પોસ્ટ કરી હતી.

એડવોકેટ પ્રશાંત પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં શિલ્પા અને રાજે 27 સપ્ટેમ્બરના રોજ ઇડી દ્વારા બહાર કાઢવાની નોટિસ જારી કરવાના “અર્થહીન, અવિચારી અને મનસ્વી કૃત્ય” સામે તેમના અને તેમના પરિવારના આશ્રયના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, કપલને તેમની મિલકતો – મુંબઈમાં રહેણાંક મકાન અને પુણેમાં ફાર્મ હાઉસ 10 દિવસમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ અને શિલ્પાને 3 ઓક્ટોબરના રોજ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.