December 17, 2024

ધોરણ-10-12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, સાયન્સમાં 30.48% પરિણામ

અમદાવાદ: આજે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂન મહિનામાં બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આજે આ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામોમાં 2.87 લાખ વિદ્યાર્થીઓનાં ભાવીઓ ફેંસલો થયો છે.

મળતી માહિતી મુજબ, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 30.48 ટકા પરિણામ આવ્યું છે. તો ધોરણ 10નું પૂરક પરીક્ષાનું 28.29 ટકા પરિણામ આવ્યું છે.

મહત્વનું છે કે ધોરણ 10માં કુલ 1.28 લાખ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી જે પૈકી 29542 વિદ્યાથીઓ પાસ થયા છે. જેમાં, વિદ્યાર્થીઓને ટકાવારી 25.77% જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 32.56 ટકા રહી હતી. તો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 56,459 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી 24196 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26,927 વિદ્યાર્થીઓ પૈકી 8143 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ગ્રુપ Aનું પરિણામ 33.54 ટકા આવ્યું છે જ્યારે ગ્રુપ Bનું 29.67% પરિણામ આવ્યું છે.