ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈ રાજ્યના 140 સ્ટ્રોંગ રૂમમાં બોર્ડના પ્રશ્નપત્રો સીલ
ગુજરાત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. નોંધનીય છે કે, રાજ્યમાં 11 માર્ચથી શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 140 જેટલા સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા છે અને તેમાં પ્રશ્નપત્રો મોકલી સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં આશરે 12 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
પરીક્ષાના દિવસે સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રો કેન્દ્રો ખાતે મોકલવામાં આવશે. સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રોની સુરક્ષા માટે થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સ્ટ્રોંગ રૂમની બહાર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો તમામ સ્ટ્રોંગરૂમ CCTVથી સજ્જ કરવામાં છે. આ ઉપરાંત જિલ્લામાં DEO દ્વારા પણ સ્ટ્રોંગરૂમની ઓચિંતી તપાસ કરી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
વઘુમાં પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રો કેન્દ્ર પર મોકલાશે. તો અધિકારીઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલી પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માટે 12 જેટલા સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રશ્નપત્રો આવી ગયા બાદ સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે ચાર પોલીસ જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે અને સ્ટ્રોંગરૂમ પણ CCTVથી સજ્જ હોવાથી તેની પર નજર રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે, આગામી 11 માર્ચથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનારી છે. ત્યારે પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 89 હજાર 279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1 લાખ 32 હજાર 073 વિધાર્થીઓ પરીક્ષા આપશે.