January 16, 2025

કાર અને બાઈક બાદ હવે માર્કેટમાં આવ્યું BMWનું ઈ સ્કૂટર, ફીચર્સ છે જોરદાર

BMW: ઓટો માર્કેટમાં એક્ટિવા આવ્યા બાદ હરીફ કંપનીઓએ પોતાના ઉત્પાદનમાં કેટલાક મોટા ફેરાફાર કરીને એવા સ્કૂટર માર્કેટમાં મૂક્યા કે, રીતસરની હરીફાઈ જોવા મળી. આ જ રેસમાં હવે વધુ એક સ્કૂટર જોડાવવા માટે જઈ રહ્યું છે. જે BMW કંપનીએ બનાવ્યું છે. કિંમત ભલે લાખોમાં હોય પણ એકના ફીચર્સ અને સ્ટાઈલીશ લૂક ભલભલાનું મન મોહી લેશે એ વાત તો નક્કી છે. અત્યાર સુધી BMW Motorrad ની પ્રીમિયમ લક્ઝરી બાઈક જોઈ હશે. પરંતુ હવે કંપની ભારતમાં તેનું સૌથી પ્રીમિયમ અને લક્ઝરી ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપની તેને તારીખ 24 જુલાઈએ માર્કેટમાં લાવશે. આ માટે પ્રી-લૉન્ચ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ બુકિંગ પસંદગીની અધિકૃત BMW Motorrad ડીલરશિપ પર ખુલ્લી છે. BMW CE 04 ભારતમાં વેચાતું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર બની શકે છે.

કેટલી કિંમત રહેશે
વૈશ્વિક બજારમાં BMW CE 04ની કિંમત પહેલાથી જ $11,795ની આસપાસ છે. ભારતમાં તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. તે મેક્સી સ્ટાઈલનું સ્કૂટર હશે. તેની લંબાઈ બે મીટરથી વધુ છે. તેની ડિઝાઈન ભારતમાં હાલના અન્ય તમામ સ્કૂટર્સથી તદ્દન અલગ હશે.દેખાવમાં ભલે સાવ અલગ લાગે પણ ચલાવવામાં અને ફીચરની દ્રષ્ટિથી આવું સ્કૂટર હજુ સુધી ભારતીય ઓટો માર્કેટને મળ્યું નથી. આગળથી વજનમાં તે ખૂબ જ ભારે સ્કૂટર હશે. પરંતુ તે ખૂબ જ પ્રીમિયમ પણ છે. પરિમાણો વિશે વાત કરીએ તો, નવા BMW CE 04 ઇલેક્ટ્રિક સ્કૂટરની લંબાઈ 2285mm, પહોળાઈ 855mm, ઊંચાઈ 1,150mm અને સીટની ઊંચાઈ 780mm છે. આ સિવાય આ સ્કૂટરમાં 15 ઈંચના મોટા વ્હીલ્સ છે.

આ પણ વાંચો: Tata Motorsની નવી ઈ કાર લોંચ થશે, ક્રેટા સામે હરીફાઈ વધી

બેટરી બેકઅપ અંગે
નવી BMW CE 04માં 8.9 kWh બેટરી પેક મળશે. આ સ્કૂટર ફુલ ચાર્જ પર લગભગ 130 કિલોમીટરની રેન્જ આપશે. બેટરી 0-100 ટકાથી ચાર્જ થવામાં લગભગ 4 કલાક અને 20 મિનિટ લેશે. એટલું જ નહીં, આ સ્કૂટરને DC ફાસ્ટ ચાર્જરની મદદથી 1 કલાક 40 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ટૂંકમાં પબ્લિક ચાર્જિંગ પોઈન્ટ પર સરળતાથી એને ચાર્જ કરી શકાશે. આ માટે કોઈ વધારાના પોઈન્ટની જરૂર નહીં પડે. આ સ્કૂટર PMS ઇલેક્ટ્રિક મોટર સાથે આવશે, જે લગભગ 41 bhpનો પાવર અને 60 Nmનો ટોર્ક જનરેટ કરશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક હશે. આ સ્કૂટર માત્ર 2.6 સેકન્ડમાં 0 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. BMW CE 04 ઇલેક્ટ્રિક સ્કૂટરને 3 રાઇડિંગ મોડ મળે છે જેમાં ઇકો, રેઇન અને રોડનો સમાવેશ થાય છે.

સિસ્ટમ જાણી લો
BMW CE 04માં ABS, ASC, ઈલેક્ટ્રોનિક રિવર્સ અને ટ્રેક્શન કંટ્રોલ શામેલ હશે. તેમાં ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ, BMW Motorrad કનેક્ટિવિટી સાથે 10.25-ઇંચ TFT ડિસ્પ્લે, કીલેસ રાઇડ અને વેન્ટિલેટેડ સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ પણ આપવામાં આવશે. સૌથી મોટી અને શાનદાર વાત એ છે કે, કંપનીએ એની સીટ અને આગળના હેન્ડલમાં સારી એવી સુવિધાઓ આપી દીધી છે. જે બીજી બધી ઈ બાઈક્સ કરતા ઘણી રીતે અલગ પડી રહી છે. જ્યારે પણ આ બાઈક માર્કેટમાં આવશે ત્યારે કિંમતની દ્રષ્ટિએથી બાઈક્સ બીજી ઈ બાઈકને ટક્કર આપી શકે છે. જોકે, લાખો રૂપિયા કિંમત હોવાથી અન્ય સસ્તી બાઈકની માર્કેટમાં ઉછાળો જોવા મળે એવું હાલ તો કહી શકાય છે. ડીલર્સ પોતાની રીતે કે કંપની એના દ્રષ્ટિકોણથી કોઈ ઓફર્સ આપે તો નવાઈ નહીં.