January 18, 2025

Jamnagar : BJPનો ભરતી મેળો યથાવત, કોંગ્રેસથી અનેક ધારાસભ્યોએ છેડો ફાડ્યો

ટુંક જ સમયમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાના એંધાણ છે. એ વચ્ચે ગુજરાતમાં BJPનો ભરતી મેળો ફુલ જોશમાં ચાલી રહ્યો છે. ગત રોજ બળવંત ગઢવીના રાજીનામા બાદ આજે જામજોધપુર-લાલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા સમગ્ર તાલુકાના કોંગ્રેસ માળખા સાથે કેસરિયો ધારણ કરશે. આ ઉપરાંત વડોદરામાંથી પણ કોંગ્રેસના મોટા માથા એવા બાલકૃષ્ણ પટેલ, કુલદીપ સિંહ BJPમાં જોડાશે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય BJPમાં જોડાયા
જામજોધપુર-લાલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા આજે સમગ્ર તાલુકા કોંગ્રેસ માળખા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ ઉપરાંત વડોદરાથી પણ કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર મળી રહ્યા છે. ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં આવેલા બાલકૃષ્ણ પટેલ ફરી BJPમાં જોડાવા જઈ રહ્યા છે. કમલમ ખાતે સી.આર. પાટિલના હસ્તે પટેલ ફરી કેસરિયો ધારણ કરશે. આ ઉપરાંત સાવલીના કોંગ્રેસ ઉમેદવાર કુલદીપ સિંહ પણ ભાજપમાં જોડાશે. મહત્વનું છેકે, 2023માં કુલદીપ સિંહ સાવલીથી કેતન ઈનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

બળવંત ગઢવીનું રાજીનામુ
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. આ સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવી અને ભાષાભાષી સેલના પ્રદેશ અધ્યક્ષ કરણસિંહ તોમરે પણ રાજીનામુ આપ્યુ છે. આજ 200 થી વધુ કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે. બળવંત ગઢવી 2022 વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે ભાજપના બાબુ જાદવ સામે તેમની હાર થઈ હતી.