December 18, 2024

MCD સ્ટેન્ડિંગ કમિટીના સભ્યની ચૂંટણીમાં BJPનો વિજય, કોંગ્રેસ-આપના કાઉન્સિલરોએ મતદાનમાં ભાગ જ ન લીધો

MCD Standing Committee Election 2024: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના છેલ્લા સભ્યની ચૂંટણી AAP અને BJP વચ્ચેના વિવાદ વચ્ચે શુક્રવારે સંપન્ન થઈ હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પડેલા મતોની ગણતરી કરવામાં આવી હતી. મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સુંદર સિંહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ જીત સાથે MCD સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપને બહુમતી મળી છે. હવે સમિતિના અધ્યક્ષ ભાજપના જ હશે. સુંદર સિંહની તરફેણમાં 115 વોટ પડ્યા જ્યારે વિરુદ્ધમાં 0 વોટ પડ્યા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કોર્પોરેશન કાઉન્સિલરોએ ચૂંટણીમાં ભાગ ન લીધો. એલજીના આદેશનો વિરોધ કરીને AAPએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે, MCD સ્ટેન્ડિંગ કમિટીના એકમાત્ર સભ્યની ચૂંટણીમાં ભાજપે સુંદર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ નિર્મલા કુમારીને મેદાનમાં ઉતાર્યા હતા.

માત્ર મેયરને જ બેઠક બોલાવવાનો અધિકાર છે: અરવિંદ કેજરીવાલ
સ્ટેન્ડિંગ સમિતિની ચૂંટણીના મુદ્દે, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “એમસીડી કાયદામાં સ્પષ્ટ રીતે લખેલું છે કે માત્ર મેયરને જ ગૃહની બેઠક બોલાવવાનો અધિકાર છે. એલજી કે કમિશનર ગૃહની બેઠક બોલાવી શકતા નથી. કાલે કોઇ લોકસભાની અધ્યક્ષતા ગૃહ સચિવ પાસે કરાવી દેશે.

‘ભાજપની નીયતમાં ખોટ’
તેમણે કહ્યું, “આપણે લોકશાહીમાં જીવીએ છીએ. કાયદામાં લખેલું છે કે જ્યારે પણ ગૃહ બોલાવવામાં આવશે, 72 કલાકનો સમય આપવામાં આવશે. દરેક કાઉન્સિલરને સમયની જરૂર છે. તેની નીયતમાં ખોટ જોવા મળી રહી છે. કઇક ને કઇક ખોટું કરવાનું ષડયંત્ર નજર આવી રહ્યું છે, એટલે જ તૈયારીમાં લાગી ગયા છે. મેયરે કમિશનરને પત્ર લખીને આજે યોજાનારી ચૂંટણીને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી છે. તેમણે કહ્યું કે આજે ચૂંટણી ન થવી જોઈએ.

MCDનું રાજકીય સમીકરણ
MCDમાં કુલ 250 કાઉન્સિલરો છે, જેમણે સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ સભ્યની પસંદગી કરવાની હતી. એક કાઉન્સિલરના રાજીનામાને કારણે એક બેઠક ખાલી પડી છે. કોંગ્રેસના નવ કાઉન્સિલરોએ મતદાન કરવાનો નિર્ણય લીધો ન હતો. એકંદરે કાઉન્સિલરોની સંખ્યા ઘટીને 240 થઈ ગઈ. મતલબ કે જેની તરફેણમાં 121 કાઉન્સિલરોનો મત આવશે તે સ્થાયી સમિતિના સભ્ય તરીકે ચૂંટાશે.

MCDમાં AAP પાસે 125 કાઉન્સિલર છે. ભાજપ પાસે 115 છે. ગુરુવારે નિર્ધારિત ચૂંટણી પહેલા, AAPના ત્રણ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત, AAPના કેટલાક કાઉન્સિલરો વિશે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં જો ચૂંટણી યોજાય તો ભાજપના ઉમેદવાર જીતે તેવી ધારણા હતી.

આ બધા વચ્ચે મેયર શૈલી ઓબેરોયે ચૂંટણી 5 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી હતી. મેયરના આ નિર્ણય બાદ ગુરુવારે મોડી સાંજે LGએ MCD કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે ગઈકાલે રાત્રે 10 વાગ્યા પહેલા ચૂંટણી કરાવવાનું કહ્યું હતું, પરંતુ મનીષ સિસોદિયા વિરોધ કરવા આગળ આવતાં, ચૂંટણી આજે રાત્રે મોકૂફ રાખવામાં આવી હતી.