November 6, 2024

BJPએ અત્યાર સુધીમાં J&Kમાં 57 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, 24 બેઠકો પર મુસ્લિમોને તક

Jammu Kashmir Election: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છ ઉમેદવારોને સ્થાન મળ્યું છે, જેમાંથી પાંચ મુસ્લિમ છે. ભાજપે કરનાહથી મો. ઇદ્રિસ કરનાહી, હંદવાડાથી ગુલામ મોહમ્મદ મીર, સોનાવારીથી અબ્દુલ રશીદ ખાન, બાંદીપોરાથી નસીર અહેમદ લોન, ગરેઝ (ST)થી ફકીર મોહમ્મદ ખાન અને ઉધમપુર પૂર્વથી આરએસ પઠાનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે અત્યાર સુધીમાં 57 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાંથી લગભગ 24 બેઠકો પર મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા મુસ્લિમોને મેદાનમાં ઉતારવામાં આવેલી મોટાભાગની બેઠકો ઘાટીમાં આવેલી છે. જમ્મુ અને કાશ્મીર માટે બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત તેના 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયાના થોડા કલાકો બાદ જ પાછી ખેંચી લેવા સાથે થઈ હતી. પાર્ટી કાર્યકર્તાઓના વિરોધને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. પાર્ટીમાં નવા લોકોને સામેલ કરવાને કારણે તેઓ અલગ લાગણી અનુભવી રહ્યા હતા. આ પછી ભાજપે સુધારેલી યાદી બહાર પાડવી પડી.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 90 સીટો છે. તેમાંથી 7 બેઠકો અનુસૂચિત જાતિ (SC) અને 9 અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ 28 બેઠકો જીતી હતી. ભાજપે 25, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (NC) 15 અને કોંગ્રેસને 12 સીટો જીતી હતી. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે, જેના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે અહીં ચૂંટણી લડવા માટે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.