May 4, 2024

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ 2024ની લોકસભા ચૂંટણીને લઈને કર્યો મોટો દાવો

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ બાદ આજે 23 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લીધી છે. નડ્ડા આજે (મંગળવારે) ગાંધીનગર લોકસભા બેઠક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અને સાથે સાથે  તેમણે ભાજપ પાર્ટીની ડિજિટલ પહોંચ વધારવા માટે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પાર્ટીના ચૂંટણી કાર્યાલયોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

જેપી નડ્ડા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, “આજે હું ભાગ્યશાળી છું કે મને અહીં ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના શ્રી ગણેશ કરવાનો લહાવો મળ્યો છે. આ સાથે સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે વધુ 25 જગ્યાએ ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવશે. ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર કાર્યાલયની સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટેના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યુ્. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી નથી. 2009ની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ પાસે 15 લોકસભા બેઠકો હતી અને કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2024 પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું

નડ્ડાએ કહ્યું, “મને વિશ્વાસ છે કે અમે પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણીમાં સફળ થઈશું અને પહેલા કરતા વધુ બેઠકો જીતીશું. જ્યાં ગુજરાતનો સવાલ છે, તો ગુજરાતમાં 26માંથી 26 બેઠકનો ટ્રેક રેકોર્ડ છે. મને અતૂટ વિશ્વાસ છે કે 2024માં ગુજરાતની જનતા 26 બેઠકોમાં પીએમ મોદીને જીત અપાવશે.