November 7, 2024

બીજેપીની કાર્યશાળામાં મહિલા મોરચાને પરફોર્મન્સ બતાવવા સીઆર પાટીલની ટકોર

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આખા વક્તા તરીકેની છાપ ધરાવે છે. જાહેર મંચ પરથી અનેક વખત ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને હોદ્દેદારોને ટકોર કરતા પણ સી.આર પાટીલ જોવા મળ્યા છે ત્યારે વધુ એક દાખલો ગઈકાલે અમદાવાદ ખાતે સદસ્યતા અભિયાન હેઠળ મળેલી બીજેપીની સંયુક્ત મોરચાની કાર્યશાળામાં જોવા મળ્યો હતો.

ગઈકાલે અમદાવાદના બોડકદેવ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિય ખાતે 2 સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાત બીજેપીના તમામ મોરચાઓના પ્રમુખો, મહા મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ મોરચાઓના પ્રદેશ પ્રમુખ સહિતના લોકોએ સંબોધન પણ કર્યું હતું પરંતુ મહિલા મોરચાના નેતા દ્વારા કરવામાં આવેલા સંબોધનની ચર્ચા કાર્યશાળા બાદ બીજેપીના નેતાઓ અને હોદ્દેદારોમાં પ્રમુખતાથી થઈ રહી છે.

કાર્યશાળામાં મહિલા મોરચાના નેતાએ સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મહિલાઓ માટે લેવામાં આવેલા નિર્ણયો અને યોજનાઓના વખાણ કર્યા હતા. સાથે જ જે પ્રકારે મહિલાઓને અનામતનો નિર્ણય કરી જે પ્રકારે વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓની સંખ્યા વધી છે તે અંગે પણ સરકારના વખાણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસ મામલે મોસ્ટ વોન્ટેડ સટ્ટાકિંગ દીપક ઠક્કરની ધરપકડ

મહિલા મોરચાના નેતાના સંબોધન બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પોતાનું સંબોધન આપવાની શરૂઆત કરી હતી અને સંબોધન દરમિયાન સી.આર પાટીલે મહિલા મોરચાના નેતા દ્વારા કરવામાં આવેલા સંબોધન પર ટકોર કરતા કહ્યું હતું કે આટલું બધુ સરકારે મહિલાઓ માટે કર્યું છે અને આપ્યું છે તો મહિલા મોરચાએ પણ પરફોર્મન્સ બતાવવું જોઈએ.

પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અગાઉ પણ અનેક વખત અનેક કાર્યક્રમોમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખોને પેજ સમિતિનું કામ ન કરવા અંગે અને કાર્યકર્તાઓની ફરિયાદો આવી રહી હોવા અંગે પણ જાહેરમાં ટકોર કરતા આવ્યા છે અને એટલા માટે જ બીજેપીનાં કાર્યકર્તાઓ માટે સી.આર પાટીલ માનીતા પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે. અગાઉ અમદાવાદના એક કાર્યક્રમમાં મીડિયાની હાજરીમાં મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દિપીકાબેન સરડવાને લાંબા સંબોધન ન કરવા અંગે ટકોર કરી ચૂક્યા છે. સમગ્ર વાત અંગે બીજેપી દ્વારા કોઈ પુષ્ટિકરણ કરવામાં અથવા તો જાહેરમાં નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ કાર્યશાળામાં હાજર રહેલા અમારા વિશ્વસનીય સૂત્રો અહી ઉલ્લેખાયેલી ઘટના અંગે હામી ભરી રહ્યા છે.