November 23, 2024

ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબ હશે આગામી પ્રોટેમ સ્પીકર, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક

Lok Sabha Session: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા છે. લોકસભા સત્રને ધ્યાનમાં રાખીને ઓડિશાના બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મહતાબ ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને આગામી સ્થાયી સ્પીકરની નિયુક્તિ સુધી તેઓ ગૃહમાં સ્પીકરની તમામ જવાબદારીઓ નિભાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ ભાજપના સાંસદને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે.

‘લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી મહતાબ તેમની ફરજ નિભાવશે’
બીજી તરફ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું કહેવું છે કે લોકસભાના સભ્ય કે. સુરેશ, ટીઆર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાય પ્રોટેમ સ્પીકર મહતાબને મદદ કરશે. તેમણે કહ્યું કે, ભરતરિહરિ મહતાબ લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી પ્રેસિડિંગ ઓફિસર તરીકે ફરજ નિભાવશે.

કોણ છે ભર્તૃહરિ મહતાબ?
ભર્તૃહરિ મહતાબ ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વર્ષે, તેમણે બીજુ જનતા દળ (બીજેડી)ને મોટો ફટકો આપ્યો અને પાર્ટીના કાયમી સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું. આ સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા.