September 12, 2024

લોકગાયક વિજય સુવાળા વિવાદમાં, ભાજપના નેતા પર હિચકારો હુમલો કરતાં ફરિયાદ

અમદાવાદ: ગુજરાતી લોકગાયક વિજય સુવાળા એકવાર ફરી વિવાદમાં ફસાયા છે. આ વખતે વિજય સુવાળાએ ભાજપના નેતા પર હુમલો કરતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપના નેતા દિનેશ દેસાઇ પર વિજય સુવાળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપના નેતાએ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ દાખલ કરાવ્યા બાદ દિનેશ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે.

ફરિયાદી ભાજપના નેતા દિનેશ દેસાઈએ હુમલા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ દિનેશ દેસાઇએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી રાખી વિજય સુવાળાએ ધમકી આપી હતી. ભાજપ પ્રદેશના એક નેતા સાથે વાત કર્યા બાદ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા વિજય સુવાળાના ઘરની મહિલાનો મારા મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. ત્યારથી, ખટરાગ શરૂ થયો હતો.

તેમણે આરોપ લગાવ્યો હતો, ‘મારી રાજકીય અને સામાજિક સેવાથી લોકો મને પ્રેમ કરે છે તે વિજય સુવાળા જોઈ નથી શકતા. 18 ઓગસ્ટના વિજય સુવાળાએ દારૂના નશામાં મને ફોન કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ અમારા વડીલોએ 4 દિવસ બાદ સમાધાનની વાત કરી હતી. સમાધાનની વાતો વચ્ચે ઓઢવની રબારી કોલોની ખાતે 30 ગાડીઓ અને 10 બાઈકો પર હથિયારો સાથે આવ્યા હતા અને તોડફોડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જાણીતા લોક ગાયક વિજય સુંવાળા સહીત કુલ 30થી વધુ લોકો સામે જાનથી મારી નાખવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજય સુંવાળાના ભાઈ સહિત 30થી વઘુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ છે. ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2020થી ચાલી રહેલા મનદુંખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરીને ધમકી આપતા હતા. ગાડીઓ લઈ હુમલો કરવા આવ્યા હોવાની પણ ફરિયાદ કરાઈ છે. ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.