April 30, 2024

ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને કરી ફરિયાદ, કહ્યું માફી માગો

Rahul Gandhi Shakti Statement Row: ભાજપે બુધવારે (20 માર્ચ, 2024) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શક્તિ નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેમાં ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે. ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ‘મેં રાહુલ ગાંધીનું આખું નિવેદન વાંચ્યું. તમે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો. આવી વાત કરવી શરમજનક છે.’

ભાજપે ફરિયાદમાં શું કહ્યું?
હરદીપ સિંહ પુરીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે રાહુલ ગાંધીએ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ ઈવીએમ વિરુદ્ધ નિવેદન પણ આપ્યું છે. કેટલાક ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે. તેનાથી દેશનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી શકે છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે. અમે શક્તિ સાથે લડી રહ્યા છીએ. એક શક્તિ સાથે લડી રહ્યાં છીએ, હવે પ્રશ્ન થાય છે કે એ શક્તિ શું છે? જેમ કે અહીં કોઈએ કહ્યું કે રાજાનો આત્મા ઈવીએમમાં ​​છે.એ વાત સાચી છે કે રાજાનો આત્મા ઈવીએમમાં ​​છે. તે ભારતની દરેક સંસ્થામાં છે. EDમાં છે, CBIમાં છે અને આવકવેરા વિભાગમાં છે.

પીએમ મોદીએ નિશાન સાધ્યું તો રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી
તાજેતરમાં જ રાહુલ ગાંધીના શક્તિ વિશેના નિવેદન પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું સ્વરૂપ છે અને તેઓ તેમના માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દેશે. બીજી બાજુ આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા નિવેદનને અલગ રીતે રજૂ કરી રહ્યા છે.

તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું કે, ‘પીએમ મોદીને મારી વાતો પસંદ નથી.તે હંમેશા કોઈને કોઈ રીતે તેમને ટ્વિસ્ટ કરીને તેમનો અર્થ બદલવાનો પ્રયાસ કરે છે, કારણ કે તે જાણે છે કે મેં સત્ય કહ્યું છે. મેં જે શક્તિનો ઉલ્લેખ કર્યો છે, જે શક્તિ સાથે આપણે લડી રહ્યા છીએ, એ શક્તિના મહોરું મોદી છે.’