December 23, 2024

બિલાવલે ચાલી નવી ચાલ, પિતાને બનાવશે રાષ્ટ્રપતિ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) સાથે ગઠબંધન કર્યું છે. 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ PMLNને બંને પક્ષો વચ્ચે વધુ બેઠકો મળી છે. નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને પણ પીએમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હવે PPPએ એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે જાહેરાત કરી હતી કે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ પદ માટે પીપીપીના ઉમેદવાર હશે. તેમણે શપથ લીધા કે ઝરદારી દેશમાં એકતા લાવશે અને નાગરિકોને પડતી ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

એક રેલીમાં કહ્યું કે, તેમણે ‘નફરતની આગ’ ઓલવવામાં અને દેશની એકતાનું રક્ષણ કરવામાં આસિફ અલી ઝરદારીની ભૂમિકા પર ભાર મૂક્યો. બિલાવલે એમ પણ કહ્યું કે તેમને વડાપ્રધાનની ખુરશી પર બેસવાની કોઈ ઈચ્છા નથી. તેમણે પોતાના લોકો માટે ચૂંટણી લડી હતી. બિલાવલે કેન્દ્ર અને રાજ્યમાં સ્વાર્થી રાજકારણની હાનિકારક અસર પર શોક વ્યક્ત કર્યો અને સાથી રાજકારણીઓને વિનંતી કરી કે તેઓ તેમના પોતાના હિત કરતાં લોકોના હિતોને પ્રાધાન્ય આપે. ચૂંટણી પરિણામો અને ધાંધલ ધમાલના આરોપો સામે ચાલી રહેલા વિરોધને સંબોધતા તેમણે કહ્યું કે, ‘તમામ પક્ષોએ પોતાની જાતને બાજુ પર રાખીને પાકિસ્તાનના કલ્યાણ તરફ ધ્યાન આપવું જોઈએ.’

મંત્રી પદ હાંસલ કરવું લક્ષ્ય નથી – બિલાવલ
તેમણે આ મુદ્દાને ઉકેલવા માટે ચૂંટણી પંચ, કોર્ટ અથવા સંસદ સાથેની વાતચીત સહિત યોગ્ય ચેનલોનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બિલાવલે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય લોકો, ખાસ કરીને બલૂચિસ્તાન અને સિંધમાં પૂર પીડિતો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવાનો છે.’ પીએમએલએનની સત્તા વહેંચણીની ઓફરને નકારી કાઢતાં તેમણે કહ્યું કે મંત્રી પદ મેળવવાને બદલે તેમનો ઉદ્દેશ્ય લોકોની ચિંતાઓને દૂર કરવાનો છે.

પીએમ નહીં બને, પિતાને બનાવશે રાષ્ટ્રપતિ
બિલાવલે કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે પીએમએલ-એન પહેલા ત્રણ વર્ષ માટે તેના પીએમ બનવું જોઈએ અને પછી આગામી બે વર્ષ માટે હું પીએમ બનું, પરંતુ મેં ના પાડી. અમે અમારા માટે નહીં પણ લોકો માટે કામ કરીએ છીએ. ખરેખરમાં બિલાવલના પિતા આસિફ અલી ઝરદારી ઈચ્છતા હતા કે તેઓ પીએમ બને. હવે બિલાવલ ભલે પીએમ ન બન્યા હોય, પરંતુ તે પોતાના પિતાને રાષ્ટ્રપતિ બનાવવા માટે મક્કમ છે.