January 27, 2025

અનામત અંગે પટના HCના નિર્ણય સામે બિહાર સરકાર SCનો દરવાજો ખખડાવશે

Bihar Reservation Act: બિહાર આરક્ષણ અધિનિયમને રદ્દ કરવાના પટના હાઈકોર્ટના નિર્ણય પર બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તમને જણાવી દઈએ કે પટના હાઈકોર્ટે બિહારમાં અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના નીતિશ સરકારના નિર્ણયને રદ કર્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આરજેડીએ એમ પણ કહ્યું છે કે તે આ મામલે સુપ્રીમ કોર્ટનોદરવાજો ખખડાવશે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે જો રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો RJD સુપ્રીમ કોર્ટમાં જશે.

નોંધનીય છે કે, પટના હાઈકોર્ટે બિહાર સરકારના આરક્ષણને 65 ટકા સુધી વધારવાના કાયદાને રદ કરી દીધો છે. ગત વર્ષે નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારે જાતિ સર્વેક્ષણ રિપોર્ટના આધારે EBC, OBC, દલિત અને આદિવાસીઓનું અનામત વધારીને 65 ટકા કર્યું હતું. આર્થિક રીતે પછાત વર્ગો માટે 10 ટકા અનામતનો સમાવેશ કરીને, બિહારમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ક્વોટા 75 ટકા સુધી પહોંચી ગયો હતો.

જે બાદ અનેક સંગઠનોએ સરકારના આ અનામત કાયદાને પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ પટના હાઈકોર્ટે તેને બંધારણના અનુચ્છેદ 14, 15 અને 16 વિરુદ્ધ હોવાનું કહીને રદ્દ કરી દીધું હતું. જે બાદ હવે રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહાર સરકાર હવે પટના હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.