December 27, 2024

બિહાર અને આંધ્રપ્રદેશને મળી દિવાળીની ભેટ, કેબિનેટે 2 મોટા રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી

Railway Projects for Bihar: PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે અનેક મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાં બે મોટા રેલવે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જેનાથી આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહારને ફાયદો થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ પર રૂ.6,798 કરોડનો ખર્ચ થશે. કેબિનેટના નિર્ણયોની વાત કરીએ તો આજે કુલ રૂ.9,17,791 કરોડના 7 સેક્ટરના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એરપોર્ટ, પોર્ટ, હાઈવે, રેલવે, મેટ્રો, ઈન્ડસ્ટ્રીયલ અને હાઉસિંગ સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. રેલવે માટે રૂ.51,801 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વારાણસીમાં કુલ 12 રેલવે પ્રોજેક્ટ અને એક નવો પુલ સામેલ છે.

અમરાવતી રેલવે લાઇન મંજૂર
કેબિનેટે આજે 57 કિલોમીટર લાંબી અમરાવતી રેલવે લાઇનને મંજૂરી આપી છે. આ રેલવે લાઇન 2,245 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીને રેલવે નેટવર્કથી જોડશે. અમરાવતીનું હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા સાથે કનેક્ટિવિટી રહેશે. આ રેલવે લાઇનના નિર્માણથી અમરલિંગેશ્વર સ્વામી મંદિર, અમરાવતી સ્તૂપ, ધ્યાન બુદ્ધ પ્રતિમા અને ઉંડાવલ્લી ગુફાઓ સુધી પહોંચવાનું સરળ બનશે. માછલીપટ્ટનમ પોર્ટ, કૃષ્ણપટ્ટનમ પોર્ટ અને કાકીનાડા પોર્ટ સાથે કનેક્ટિવિટી વધશે. આ પ્રોજેક્ટમાં કૃષ્ણા નદી પર 3 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે.

ઉત્તર બિહારમાં રેલવે લાઈન બમણી કરવામાં આવશે
ઉત્તર બિહાર માટે બીજો મોટો રેલ પ્રોજેક્ટ આવ્યો છે. અહીં 256 કિલોમીટરના રેલવે  ટ્રેકને ડબલ કરવામાં આવશે. નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર રેલવે ટ્રેકને ડબલ કરવામાં આવશે. જેનો ઉત્તર પ્રદેશ અને ઉત્તર બિહારને ફાયદો થશે. બીજી બાજુ, આ રેલવે ટ્રેક નેપાળ બોર્ડર પાસે હશે, જેનાથી ભારત-નેપાળ વેપારમાં પણ વધારો થશે. આ પ્રોજેક્ટ પર રૂ. 4,553 કરોડનો ખર્ચ થશે.