March 4, 2025

આતંકી અબ્દુલ રહેમાન મામલે સૌથી મોટો ખુલાસો, રામ મંદિર ઉડાવી દેવાનો ઘડ્યો હતો પ્લાન

ગુજરાત ATS અને હરિયાણા STFએ પકડેલા આતંકી અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. ફરિદાબાદથી પકડાયેલા આતંકીના નિશાને અયોધ્યાનું રામ મંદિર હતું. આતંકી અબ્દુલ રહેમાને 6-8 મહિના પહેલા રામ મંદિરની રેકી કરી હતી. રામ મંદિરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટની પણ આતંકીએ મેળવી માહિતી હતી. ટેલીગ્રામ એપથી પાકિસ્તાનના હેન્ડલર સાથે આતંકી સંપર્કમાં હતો.

આતંકી રહેમાન ISIના આકાઓ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. જેમાં આતંકીને તેના આકાઓએ ISKPનો મેમ્બર બનાવ્યો હતો. મેમ્બર બનાવ્યા બાદ AK47ની લાકડાની પ્રતિકૃતિથી ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાદમાં આતંકી અબ્દુલ રહેમાનને ફરિદાબાદ જવાનું કહેવામાં આવ્યું હતું. ફરિદાબાદથી આતંકીએ હેન્ડગ્રેનેડની ડિલિવરી લેવાની હતી. જે મુજબ અબ્દુલ રહેમાને હેન્ડગ્રેનેડની ડિલિવરી પણ લઈ લીધી હતી. આ મામલે ગુજરાત ATSએ આતંકીને ઝડપી લેવા માટે હરિયાણા STFને જાણ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો…
ગુજરાત ATS અને પલવલ એસટીએફ દ્વારા ફરીદાબાદથી આતંકવાદી અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે ATSને જણાવ્યું કે તેનું નિશાન અયોધ્યાનું રામ મંદિર હતું. રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ખુલાસો ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીએ કર્યો છે. જે બાદ યુપી, ગુજરાત અને હરિયાણામાં ગભરાટની સ્થિતિ સર્જાઈ છે.

હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ફરીદાબાદથી પકડાયેલા શંકાસ્પદે મોટો ખુલાસો કર્યો છે કે તેનું નિશાન શ્રી રામ જન્મભૂમિનું રામ મંદિર હતું. આટલું જ નહીં ATSએ ધરપકડ કરાયેલા આતંકવાદી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ કબજે કર્યા છે. ગુજરાત એટીએસ અને પલવલ એસટીએફ દ્વારા ફરીદાબાદથી સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ અબ્દુલ રહેમાન છે. તે યુપીના ફૈઝાબાદ જિલ્લા (હવે અયોધ્યા)નો રહેવાસી છે. આ ખુલાસા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે.

આ રીતે પકડાયો
ગુજરાત ATSને માહિતી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો છે અને હાલમાં તે ફરીદાબાદમાં છે. આ પછી, ગુજરાત ATS હરિયાણાના ફરીદાબાદ જવા રવાના થઈ, જ્યાં તેણે ફરીદાબાદ STFની મદદ લીધી, ત્યાર બાદ ગુજરાત ATS અને પલવલ STF એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને રવિવારે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. ATS ટીમ શંકાસ્પદ વ્યક્તિને લઈને ગુજરાત આવી હતી.