October 16, 2024

ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, હથિયાર સાથે એકની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. આરોપીની સાથે હાથ બનાવટની 2 રિવોલ્વર, 1 તમંચો તેમજ 6 જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે તાપી કિનારે લોકોએ નદીમાં ફેંકેલા સિક્કા વીણવાનું કામ કરતો હતો, ત્યારે તેને પિસ્તોલ એક પાર્સલમાંથી મળી હતી.

બાતમીના આધારે કરાઈ તપાસ
સુરત શહેરમાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાસતા ફરતા આરોપીની સ્કોડને મળેલી બાતમીના આધારે તપાસ કરી હતી. તપાસ કરતા સુરત શહેરના અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડક્કા ઓવારા પાસેથી જીતુ ઉર્ફે બિલ્લા રાઠોડને બે હાથ બનાવટની પિસ્તોલ એક દેશી તમંચા અને છ કાર્ટિજ સાથે ઝડપી પાડ્યો હતો.

આરોપીએ કહી આ વાત
આ પછી પોલીસે જીતુની પૂછપરછ કરી હતી. તે સમયે સામે આવ્યું કે તે અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીના કિનારે શ્રીફળ ચૂંદડી સિક્કા તેમજ ભંગાર વીણવાનું કામ કરતા હતા. બે મહિના પહેલા તાપી નદીના કિનારે ભંગાર વીણવા જતી વખતે તેને એક થેલીમાં પાર્સલ જેવું કંઈ મળ્યું હતું. ત્યારબાદ આ પાર્સલ ખોલતા તેમાંથી હથિયારો નીકળ્યા હતા. હથિયાર તેણે ડક્કા ઓવારા પાસે આવેલ ભૂત બંગલા પાસે સંતાડી રાખ્યા હતા.

આ પણ વાંચો: ઈરાની ગેંગના બે રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધા

હુમલો કરવાનો પ્રયાસ કરતા
15 દિવસ પહેલા જ જીતુના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ કાચા નામના ઈસમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વિશાલ સામે અઠવા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો. તો આ ઘટના બાદ અર્જુન નામના ઇસમેં જીતુ પર હુમલો કર્યો હતો. અવારનવાર આ ઈસમો તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા. તેથી જીતુ આ સંતાડેલું હથિયાર પોતાની સાથે રાખ્યું હતું. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હથિયાર આરોપીને રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારા નજીકથી મળ્યું છે.

હથિયાર બાબતે પૂછપરછ
આરોપી પાસેથી પોલીસને એક હથિયાર મળ્યું હતું અને અન્ય હથિયાર બાબતે પૂછપરછ કરતા તેને પોલીસને જણાવ્યું હતું કે તેને આ અન્ય હથિયારો કોઝવે બ્રિજના ફ્લડગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખ્યા હતા. ત્યારે સુરત પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસોની સાથે રાખીને હથિયાર શોધવા માટેની કામગીરી ચાલુ કરી છે. તો આરોપી જીતુ ઉર્ફે બિલ્લા સામે અગાઉ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. જેમાં અઠવા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ચાર અને ઉમરા પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ દાખલ થયા છે.