January 23, 2025

કોલકાતા કાંડમાં મોટો ખુલાસો, R.G મેડિકલ કોલેજના ડોક્ટરનો દાવો- ક્રાઈમ સીન સાથે થયા ચેડાં

Kolkata: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતામાં મોટો ખુલાસો થયો છે. જે રાત્રે દુષ્કર્મ-હત્યાની ઘટના બની તે રાત્રે ત્યાં તૈનાત તબીબે ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈમરજન્સી ડ્યુટી પર તૈનાત ડોક્ટરે કોલકાતા પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પોલીસ ખોટું બોલી રહી છે. મેડિકલ વોર્ડમાં કોઈ SOP નું પાલન કરવામાં આવ્યું ન હતું.

મળતી માહિતી અનુસાર તે રાત્રે ઇમરજન્સી ફરજ પરના ડૉક્ટરે મોટો આરોપ લગાવ્યો અને કહ્યું, “પોલીસ ખોટું બોલી રહી છે. ઈમરજન્સી મેડિકલ વોર્ડમાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં મોડું થયું હતું.” ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, “વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવેલા લોકો ગુનાના સ્થળ સાથે સંબંધિત ન હતા, પરંતુ તેમ છતાં તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા વધી ગઈ હતી.”

ડૉક્ટરે કહ્યું, “આર જી કર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યારે આંદોલન અને પારદર્શિતાની માંગ વચ્ચે તે અન્ય કોઈ મેડિકલ કોલેજમાં થવું જોઈતું હતું. વાયરલ વીડિયોની પોલીસ કોર્ડન અને અસંગતતાએ શંકા ઊભી કરી હતી કે ક્રાઈમ સીન સાથે છેડછાડ કરી છે. આર જી કર મેડિકલ કોલેજ ખુદ ડોક્ટરોના વિરોધનો ગઢ રહી છે. પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા.

આ પણ વાંચો: કોલકાતા કાંડ: પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ, 15 દિવસની પૂછપરછ બાદ ગણશે જેલના સળિયા

CBIએ સંદીપ ઘોષની ધરપકડ કરી
સોમવારે (2 સપ્ટેમ્બર) CBIએ R.G કાર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિઓમાં સંડોવણી બદલ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અન્ય ત્રણ લોકો સુરક્ષા કર્મચારી અફસાર અલી અને હોસ્પિટલના વિક્રેતાઓ બિપ્લવ સિંઘા અને સુમન હજારા છે, જેઓ હોસ્પિટલમાં વસ્તુઓ સપ્લાય કરતા હતા. સંદીપ ઘોષની ધરપકડના એક કલાકમાં જ CBI અધિકારીઓએ વધુ ત્રણ ધરપકડ કરી હતી.