December 23, 2024

ઝાંસી મેડિકલ કોલેજમાં આગનો મોટો ખુલાસો, સાંજે 5 વાગે જ મોટી દુર્ઘટનાના મળ્યા હતા સંકેત

Jhansi Medical College Fire Accident: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. સુત્રોનું કહેવું છે કે, પ્રથમ વખત શોર્ટ સર્કિટ થઇ તેની અવગણના કરવામાં આવી હતી. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી શોર્ટ સર્કિટની ઘટના બની હતી. જેના કારણે આ ભયાનક આગ જેવી ઘટના બની હતી.

હોસ્પિટલની બેદરકારી સામે આવી
સૂત્રોના જણાવ્યા અનુસાર શિશુ વોર્ડમાં 10:45 વાગ્યે બીજી વખત શોર્ટ સર્કિટ થઈ હતી. આ પછી હોસ્પિટલના NICU વોર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હવે સવાલ એ થાય છે કે સાંજે શોર્ટ સર્કિટ થતાં હોસ્પિટલ પ્રશાસન કેમ સજાગ ન થયું. જો સાંજે જ બાળકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હોત તો કદાચ બાળકોના મોત ન થયા હોત.

આગમાં 10 નવજાત બાળકો જીવતા બળી ગયા હતા
નોંધનીય છે કે, ઝાંસીની સરકારી મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકો જીવતા બળી ગયા હતા. શુક્રવારે રાત્રે 10.20 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. એનઆઈસીયુમાંથી નવજાત બાળકોને કાઢવા માટે બારીઓ તોડી નાખવામાં આવી હતી. 39 બાળકોને બચાવી લેવાયા હતા. નવજાતની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.