January 16, 2025

હિઝબુલ્લાહ પેજર હુમલામાં મોટો ઘટસ્ફોટ, તાઇવાની કંપનીએ જણાવ્યું યુરોપનું કનેક્શન!

Hezbollah: લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને સભ્યો પર પેજર હુમલાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. આ પેજર બ્લાસ્ટને તાઈવાનની કંપની ગોલ્ડ એપોલો સાથે પણ જોડવામાં આવી રહી છે. કારણ કે હિઝબુલ્લાહે તાઈવાનની એક કંપનીને પેજર મંગાવ્યું હતું. આ વાતની જાણ થતાં જ તાઈવાન પોલીસ ગોલ્ડ એપોલો કંપનીની ઓફિસે પહોંચી ગઈ હતી.

કંપનીના સ્થાપક હસુ ચિંગ-કુઆંગે મીડિયાને જણાવ્યું હતું કે લેબનોનમાં મંગળવારના વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતા પેજર કંપનીએ બનાવ્યા નથી. તેમણે કહ્યું કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાતા પેજર યુરોપિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેને તાઈવાનની કંપનીના બ્રાન્ડ નામનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તાઈવાની કંપનીનું કહેવું છે કે તેઓએ આ મોડલના પેજર બનાવવા માટેનો પેટા કોન્ટ્રાક્ટ યુરોપિયન કંપની BAC કન્સલ્ટિંગ KFTને આપ્યો છે અને તેના ઘટકો ત્રીજા પક્ષ પાસેથી મેળવવામાં આવ્યા છે.

“કંપની માટે શરમજનક બાબત”
કંપનીના માલિક હસુ ચિંગ-કુઆંગે કહ્યું કે માત્ર હિઝબુલ્લાહ જ નહીં પરંતુ કંપની પણ આ હુમલાનો શિકાર છે. તેણે કહ્યું, “અમે એક જવાબદાર કંપની છીએ. આ અમારા માટે ખૂબ જ શરમજનક છે.”

હિઝબોલ્લાહ લડવૈયાઓએ પેજરનો ઉપયોગ એ વિશ્વાસ સાથે શરૂ કર્યો હતો કે આનાથી તેઓને તેમની સ્થિતિ પર ઇઝરાયેલની દેખરેખ ટાળવામાં મદદ મળશે, પરંતુ ઇઝરાયેલે તેમની સામે આ જ તકનીકનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: Explainer: ‘પેજર’ની શોધ કોણે કરી અને તે કેવી રીતે કામ કરે છે? જાણો તમામ માહિતી

તાઈવાનની કંપની પર કેવી રીતે આરોપ લગાવવામાં આવ્યો?
મળતી માહિતી અનુસાર વિસ્ફોટમાં નાશ પામેલા પેજરના ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં બતાવવામાં આવ્યું હતું કે બેક સાઈડ પર લાગેલા સ્ટીકરો ગોલ્ડ એપોલો કંપનીના છે. એક વરિષ્ઠ લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે તાઇવાન સ્થિત ગોલ્ડ એપોલો પાસેથી 5,000 પેજરનો ઓર્ડર આપ્યો હતો.

પેજરે હિઝબુલ્લાહને આતંકિત કર્યો
મંગળવારે લેબનોન અને સીરિયામાં લેબનીઝ સભ્યોના પેજર્સ વિસ્ફોટ થવા લાગ્યા, જેના કારણે લગભગ 3 હજાર હિઝબુલ્લાહ લડવૈયાઓ અને નાગરિકો ઘાયલ થયા અને લગભગ 11ના મોત થયાના અહેવાલ છે. હિઝબુલ્લાએ આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. જો કે આ અંગે ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સાથે જ અમેરિકાએ હિઝબુલ્લા ઈરાનને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.