રાજકોટ સિટી બસ અકસ્માત અંગે મોટો ખુલાસો, ડ્રાઈવર શિશુપાલનું લાયસન્સ જ હતું એક્સપાયર

રાજકોટ: સિટી બસ દ્વારા અકસ્માત મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે એ સવાલ થાય છે કે ડ્રાઇવરને વગર લાયસન્સે સીટી બસ ચલાવવાનો પીળો પરવાનો આપ્યો કોને?

અકસ્માત મામલે પીએમઆઈ એજન્સી સંપૂર્ણ જવાબદાર છે. કોર્પોરેશન કમિશનર પગલાં લેશે? કે પછી અધિકારીઓ નેતાઓને ઘૂંટણીએ થશે? તે જોવાનું રહ્યું.

રાજકોટમાં સિટી બસ અકસ્માતની ઘટના બાદ લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઈન્દીરા સર્કલ પાસે ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને લોકોએ દોડાવ્યો હતો. ટ્રાફિક કોન્સ્ટેબલને લોકો મારવા દોડતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો.

સિટી બસ સેવાને લઇને RMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે દરેક મૃતકને 15-15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવામાં આવશે. RMC દ્વારા શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે. સીટ બસ સેવાના જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે. કુલ 7 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 ફોર વ્હિલરને અડફેટે લીધા હતા. આખી ઘટનામાં 4 લોકોના મોત અને 4 ઇજાગ્રસ્ત થયાં છે.