આસારામને મોટી રાહત, રાજસ્થાન હાઈકોર્ટે આટલા દિવસોની પેરોલ કરી મંજૂર
Rajasthan High Court: યૌન ઉત્પીડનના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામને 7 દિવસની પેરોલ આપી છે. આસારામને સારવાર માટે આ પેરોલ મળી છે. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે. હાઈકોર્ટના જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.
સજા માફી માટેની અરજી માર્ચમાં ફગાવી દેવામાં આવી હતી
માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આસારામે સુપ્રીમ કોર્ટને સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવાની વિનંતી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.
આસારામે ખરાબ તબિયતને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા આજીવન કેદની સજા સામે આસારામની અરજી પર ઝડપથી સુનાવણી કરવી જોઈએ. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેઓ સારવારને લઈને રાહત માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરે.
આ પહેલા સપ્ટેમ્બર 2023માં પણ સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામની જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટે વર્ષ 2022માં આસારામને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આસારામ લગભગ 81 વર્ષના છે અને ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે.