મણિપુરના ચંદેલમાં આસામ રાઇફલ્સનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી ઠાર

Manipur: મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક યુનિટ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ માહિતી આપી અને કહ્યું કે કામગીરી હજુ પણ ચાલુ છે. ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ન્યુ સમતાલ ગામ નજીક સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે ગુપ્ત માહિતીના આધારે આસામ રાઇફલ્સે બુધવારે એક ઓપરેશન શરૂ કર્યું, આ અંગે સેનાના પૂર્વીય કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન, શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

સેનાએ ટ્વિટ કરીને માહિતી આપી
સેનાના જણાવ્યા અનુસાર, ઓપરેશન દરમિયાન જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં સૈનિકોએ સંયમ અને વ્યૂહરચના સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મોટો ખુલાસો: કોઈ પરમાણુ ધડાકો નહીં, 10 અને 12 મેના રોજ પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રુજી હતી

સુરક્ષા દળોને મોટી સફળતા મળી
મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.