Air Indiaની મોટી જાહેરાત, હવે ફ્રી સામાનમાં કરાયો ઘટાડો

Free Baggage Limit: ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ મુસાફરોને મોટો ઝટકો આપ્યો છે. હવે એર ઈન્ડિયા દ્વારા સામાન લઈ જવો મોંઘો થશે. એરલાઈને ફ્રી સામાનની મર્યાદા 20 કિલોથી ઘટાડીને 15 કિલો કરી દીધી છે. સરકાર પાસેથી એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને નફાકારક બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે. સરકારના નિયંત્રણ હેઠળ એર ઈન્ડિયાને અંદાજે 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: ‘કેજરીવાલ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની ધરપકડ થશે’, ભાજપના નેતા નારાયણ રાણેએ કર્યો દાવો
એરલાઈને ટ્રાવેલ એજન્ટ્સને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં આ નિર્ણયોની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે, ઈકોનોમી કમ્ફર્ટ અને કમ્ફર્ટ પ્લસ કેટેગરીમાં મુસાફરી કરતા મુસાફરો હવે 15 કિલો સુધીની માત્ર એક હેન્ડ બેગ ફ્રીમાં લઈ શકશે. આ નિર્ણય ગુરુવારથી જ લાગુ થવા જઈ રહ્યો છે. ટાટા ગ્રુપે 2022માં એર ઈન્ડિયાને ખરીદી હતી. મહત્વનું છે કે, એરલાઈન્સને ચેક-ઈન બેગેજ તરીકે 25 કિલો સુધીની બેગ લઈ જવાની છૂટ હતી. ગયા વર્ષે તે ઘટાડીને 20 કિલો કરવામાં આવ્યું હતું.
ઓછામાં ઓછી 15 કિલોની બેગનો નિયમ
દેશની મોટાભાગની ખાનગી એરલાઈન્સ માત્ર 15 કિલો સુધીની ફ્રી ચેક-ઈન બેગની મંજૂરી આપે છે. હવે એર ઈન્ડિયામાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ઈન્ડિગો જેવી બજેટ એરલાઈન્સ મુસાફરોને માત્ર એક બેગ લઈ જવાની છૂટ આપે છે. પરંતુ, એર ઈન્ડિયામાં તમે 15 કિલો સુધીની બહુવિધ બેગ લઈ જઈ શકશો. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના નિયમો અનુસાર તમામ એરલાઈન્સે મુસાફરોને ઓછામાં ઓછી 15 કિલોની બેગ લઈ જવાની છૂટ આપવી પડશે.
ઈકોનોમી ફ્લેક્સ ધારકો 25 કિલો સુધીની બેગ લઈ જઈ શકશે
એર ઈન્ડિયાના પ્રવક્તા અનુસાર, ઈકોનોમી ફ્લેક્સ કેટેગરીમાં મુસાફરી કરનારાઓને 25 કિલો સુધીની બેગ લઈ જવાની છૂટ આપવામાં આવશે. નવી સિસ્ટમથી ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ગયા વર્ષે એરલાઇન્સે આવક વધારવા માટે ઇકોનોમી ક્લાસને પણ ઘણી શ્રેણીઓમાં વહેંચી હતી.