December 26, 2024

Paytm Payment Bank પર મની લોન્ડરિંગ કેસમાં FIU-INDની મોટી કાર્યવાહી

Paytm Payments Bank Fine: Paytmનું સંકટ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યું, હવે સરકારે Paytm પેમેન્ટ બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઑફ ઇન્ડિયા (FIU-IND)એ મની લોન્ડરિંગના ઉલ્લંઘન માટે પેટીએમ પેમેન્ટ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. માહિતી અનુસાર નાણાં મંત્રાલયના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ Paytm Payment Bank પર આ દંડ ફટકાર્યો છે.

મની લોન્ડરિંગ કેસ
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં Paytm Payment Bank પર આ દંડની માહિતી આપતા કહ્યું કે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ- ઈન્ડિયાને પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક એકમો અને નેટવર્ક્સ ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની માહિતી મળી હતી. આ ગેરકાયદેસર કામકાજમાંથી મળેલ નાણાં બેંક ખાતા દ્વારા Paytm પેમેન્ટ બેંકના આ એકમોમાં મોકલવામાં આવ્યા હતા. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે પહેલાં 31 જાન્યુઆરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. કેન્દ્રીય બેંકે 29મી ફેબ્રુઆરી સુધીમાં Paytmની બેંકિંગ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ સમયમર્યાદા વધારીને 15મી માર્ચ કરવામાં આવી છે.

UPI ચલાવવા માટે Paytm માટે RBIની આ સલાહ
માહિતી અનુસાર જો Paytm UPI સેવાઓને Paytm પેમેન્ટ સાથે લિંક હશે તો તે 15 માર્ચ પછી કામ કરશે નહીં. જો આ સેવા ચાલુ રાખવી હોય તો ગ્રાહકો અને વેપારીઓએ તેમના PayTm UPIને કોઇ અન્ય બેંક સાથે લિંક કરવું પડશે. આરબીઆઇએ તાજેતરમાં આ અંગે નવી માર્ગદરિશિકા બહાર પાડી છે. RBIએ NPCIને One 97 Communications Ltdની યુપીઆઇ સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર બનવા માટે વિનંતીની સમીક્ષા કરવા જણાવ્યું છે. RBIએ ડિજિટલ પેમેન્ટની કામગીરીની દેખરેખ રાખનાર NPCIને કહ્યું કે @paytm હેન્ડલ અન્ય નવી બેંકોમાં સ્થાનાંતરિત થવું જોઈએ.

પેટીએમ પાસે 15 માર્ચ સુધી તક
આરબીઆઇએ કહ્યું કે યુપીઆઇ હેન્ડલનું માઇગ્રેશન ફક્ત તે ગ્રાહકો અને વેપારીઓ માટે જ હશે જેમના યુપીઆઇ હેન્ડલ પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા છે. પેટીએમએ એક્સિસ બેંક સાથે મળીને NPCIને UPI બિઝનેસ માટે થર્ડ પાર્ટી એપ્લિકેશ પ્રોવાઇડર તરીકે કામ કરવા માટે અરજી કરી હતી. નોંધનયી છે કે UPI ટ્રાન્ઝેકશન્સ Paytm પેમેન્ટ બેંક દ્વારા જ થાય છે. Paytm હાલમાં TPAP તરીકે વર્ગીકૃત નથી. બીજી Amazon Pay, Google Pay, Mobikwik, PhonePe અને WhatsApp સહિત 22 સંસ્થાઓ હાલમાં TPAP લાઇસન્સ ધરાવે છે. નોંધનીય છે કે કોઇપણ UPI એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. NCPI દેશભરમાં UPI ટ્રાન્ઝેક્શનનું સંચાલન અને દેખરેખ કરે છે. બીજી બાજુ આરબીઆઈનું કહેવું છે કે જો OCLને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP)નો દરજ્જો મળે છે, તો @paytm હેન્ડલ્સ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલીમાં મૂક્યા વિના એકીકૃત રીતે સ્થાનાંતરિત થવું જોઈએ.