November 5, 2024

તિરુપતિ લાડુ વિવાદમાં મોદી સરકારની મોટી કાર્યવાહી! કંપનીને આપી શો-કોઝ નોટિસ

Big action of Modi government: તિરુપતિ મંદિર સાથે જોડાયેલા લાડુ વિવાદમાં મોદી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સોમવારે (23 સપ્ટેમ્બર, 2024) આરોગ્ય મંત્રાલયે ઘી સપ્લાય કરતી કંપનીને શો-કોઝ નોટિસ (કારણ બતાવો નોટિસ) પાઠવી છે. આ મામલામાં કેન્દ્રીય મંત્રાલયે ચાર કંપનીઓના સેમ્પલ લીધા હતા જેમાંથી એક કંપનીના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતા તેમાં પ્રાણીની ચરબી હોવાનું બહાર આવ્યું હતું.

નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે તિરુપતિમાં પ્રસાદ માટે વપરાતા લાડુમાં જાનવરોની ચરબી હોય છે. નાયડુના આ આરોપોના સમર્થનમાં ટીડીપી સરકારે ગુજરાતમાં એક લેબનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં લાડુમાં ચરબી હોવાની પુષ્ટિ થઈ હતી.

YSRCP ચીફ જગન રેડ્ડીએ PM મોદીને લખ્યો પત્ર
તિરુપતિ લાડુ વિવાદને લઈને YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, જગને પીએમને નાયડુને ઠપકો આપવા અને સત્ય જાહેર કરવાની અપીલ કરી છે. વડા પ્રધાનને લખેલા તેમના પત્રમાં, તેમણે કહ્યું, “હું આ પત્ર આંધ્ર પ્રદેશ રાજ્યમાં બની રહેલી દુઃખદ ઘટનાઓ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને અપુરતી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભગવાન વેંકટેશ્વરના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો હિંદુ ભક્તો છે અને જો આ નાજુક પરિસ્થિતિને ધ્યાનથી ન સંભાળવામાં આવે તો આ જૂઠાણું ઘણું નુકસાન કરી શકે છે.