January 26, 2025

DeepFakeનો શિકાર થયા ભુવન બામ, સટ્ટાબાજીના વિડીયોમાં મિસયૂઝ થયો ચહેરો

Bhuvan Bam DeepFake: ભુવન બામ એક શાનદાર એક્ટર અને યુટ્યુબની દુનિયાનો એક જાણીતો ચહેરો છે. તેમણે છેલ્લા કેટલાંક વર્ષોમાં પોતાના એક ખાસ અંદાજથી લોકોનું મનોરંજન કરીને સૌનું દિલ જીતી લીધું છે. યુટ્યુબ પર તેમની ચેનલ ‘બીબી કી વાઇન્સ’ ખૂબ જ લોકપ્રિય છે જેના પર તેઓ કોમેડી વીડિયો અપલોડ કરે છે. ભુવન બામના કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે. જો કે, આ બધા વચ્ચે, ભુવન બામ DeepFake વિડિયોનો શિકાર બન્યો છે, જેને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

ભુવન બામે પોતાના ફેન્સને ચાહકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફેક વિડીયોને લઈને ચેતવણી આપી છે. આ વીડિયોમાં ભુવન લોકોને ટેનિસમાં કોઈ ખાસ બુકીના આધારે રોકાણ કરવાનું કહી રહ્યો છે. ભુવને લોકોને આ મુદ્દે સતર્ક રહેવા વિનંતી કરતાં કહ્યું, “હું મારા તમામ ચાહકોને મારા એક DeepFake વિડિયોને લઈને સાવચેત કરવા માંગુ છું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સંપૂર્ણપણે ફેક અને ભ્રામક છે. જે લોકોને સટ્ટાબાજીથી ટેનિસમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.”

ભુવન બામની ટીમે તુરંત કાર્યવાહી કરીને મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે ભુવન બામ જણાવે છે, “મારી ટીમે પહેલેથી જ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી દીધી છે અને તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.”

યુટ્યુબરે આગળ જણાવ્યું કે હું તમામને નમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આ વિડીયોની જાળમાં જ ફસાવું. સુરક્ષિત રહો અને આ પ્રકારનું કોઈપણ રોકાણ ન કરો, જેનાથી હેરાનગતિ અને આર્થિક નુકસાન થઈ શકે છે. સતર્ક રહેવું અને આવા દગાબાજોની જાળમાં ન ફસાવું જરૂરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભુવન ‘તાજા ખબર’ની બીજી સીઝનમાં જોવા મળશે. હિમાંક ગૌર દ્વારા દિગ્દર્શિત ફેન્ટસી કોમેડી થ્રિલરમાં શ્રેયા પિલગાંવકર, જેડી ચક્રવર્તી, દેવેન ભોજાણી, પ્રથમેશ પરબ, નિત્યા માથુર અને શિલ્પા શુક્લા પણ છે.