December 19, 2024

વાઇબ્રન્ટ સમિટમાં ભુરીયાઓ ઝાપટશે શુદ્ધ શાકાહારી ભોજન

ગાંધીનગર: ગુજરાતમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઇને જોરશોરથી તૈયારીઓ શરુ થઇ રહી છે. ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ત્રણ દિવસની આ સમિટમાં અનેક વિદેશી મહેમાનો ગુજરાતમાં આવવાના છે, જેમાં ૧૩૬ દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યાં છે. આ વિદેશી મહેમાનોમે ભોજનમાં શું પીરસાશે તે સૌને જાણવામાં રસ હોય છે. આ સમિટમાં આવનારા મહેમાનોને શું ભોજન અપાશે તેનું મેનુ સામે આવ્યું છે. નવાઇની વાત તો એ છે કે આ વિદેશી મહેમાનોને ભોજનમાં નોન-વેજ નહીં પીરસાઈ પરંતુ વિદેશી મહેમાનોને શુદ્ધ શાકાહારી ગુજરાતની સ્વાદિષ્ટ વાનગીઓ જ પીરસવામાં આવશે.

ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર ભોજન
ગાંધીનગર ખાતે આ સમિટમાં ભોજનમાં અપાતી થાળીને ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. સમિટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. સમિટમાં ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે. સમિટના ઉદ્ઘાટન બાદ પહેલા દિવસે બપોરના ભોજનમાં ટેસ્ટ ઓફ ભારત નામની થાળી પીરસવામાં આવશે અને સાંજે ડિનરમાં ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પીરસવામાં આવશે. જેમા ખીચડી-કઢીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ બીજા દિવસે બપોરે ભોજનમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના ધાનમાંથી તૈયાર થતી વાનગીઓ પીરસવામાં આવશે અને છેલ્લા દિવસે ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને અપાશે, જેમાં લંચમાં રિંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે.

વાઈબ્રન્ટ સમિટમાં આવી હશે ‘ભારતીય થાળી’

  1. બાજરી અને બીટની ટિક્કી ચાટ
  2. સલાડ, પાપડ, અથાણુ, ફુદીનાની ચટણી
  3. અમૃતસરી કુલ્ચા, ફુલ્કા અને રાગીની રોટલી
  4. કાજુ કેસરની ગ્રેવીમાં શાહી પનીર
  5. હરી મુંગ કી દાલ કા તડકા
  6. અંજીર દહી કા કબાબ
  7. સબ્જ બદામી સોરબા સૂપ
  8. ગોવિંદ ગટ્ટા કરી
  9. એક્ઝોટિક વેજિટેબલ લઝાનિયા
  10. મોતીચુર ચીઝ કેક વિથ બ્લ્યૂ બેરી
  11. માલપુઆ સાથે લછ્છા રબડી
  12. સીઝનલ કટફ્રુટ અને ચા તથા કોફી

સમિટને પગલે ફ્લાઇટના ભાવો આસમાને 
બીજી બાજુ આ વાઇબ્રન્ટ સમિટને પગલે દિલ્હી, મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવો આસમાને પહોંચી ગયા છે. જે હાલના ભાડા કરતાં રૂપિયા 20 હજાર જેટલા થઇ ગયા છે. સમિટમાં મુંબઇ, દિલ્હી ઉપરાંત બેંગાલુરુ, ચેન્નાઇ, હૈદરાબાદથી પણ અનેક બિઝનેસ હાઉસના પ્રતિનિધિઓ-બિઝનેસમેન વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે.  સમિટ દરમિયાન દેશ વિદેશોમાંથી ઉદ્યોગપતિઓ તેમજ નાના-મોટા બિઝનેસમેન પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. જેના કારણે એરફેરમાં વધારો જોવા મળી રહ્યો છે.