ભુજના મમુઆરા પાટિયા પાસેની હોટેલ હસ્તિકમાં સગીરા સાથે રેપ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નીતિન ગરવા, ભુજઃ કચ્છમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. ત્યારે ભુજ તાલુકાના મમુઆરા પાટિયા પાસે આવેલી હોટેલ હસ્તિકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. ધાણેટી ગામે રહેતા સચિન ડુંગળીયા નામના શખ્સએ સગીરાને બદકામ કરવાના ઇરાદે મમુઆરા પાટિયા પાસે આવેલી હોટેલ હસ્તિકમાં લઇ જઈને ચારથી પાંચ વખત દુષ્કર્મ આચાર્યું હતું. સચિને હોટેલ હસ્તિકમાં કામ કરતા તેના મિત્ર જીગર આહીરની મદદ લઈને હોટેલમાં 28/10/2024થી 02/11/2024 સુધી સગીરાને રાખી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈ પિતાએ માધાપર પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 137 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ભોગ બનનારી સગીરાનું નિવેદન લઈ વધારાની કલમ ઉમેરવાની અરજીના આધારે દુષ્કર્મ કેસમાં ભારતીય દંડ સંહિતા કલમ 64 (1), 64 (2) (IM), 87 થતા 54 અને પોક્સોની કલમ 4,5 (L), 6, થતા 17 મુજબ કલમો ઉમેરવામાં આવી છે. તેના આધારે માધાપર પોલીસે દુષ્કર્મ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
સગીરા પર હોટેલમાં દુષ્કર્મની ઘટના બનતા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા લઇને મોટા સવાલો ઉભા થયાં છે. કચ્છની હોટેલમાં અવારનવાર થતી ગેરપ્રવૃત્તિ લઇને હોટેલ સંચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.