December 26, 2024

મમુઆરાની હસ્તિક હોટેલમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની આશંકા, પોલીસ તપાસમાં થશે અનેક ઘટસ્ફોટ!

રિપોર્ટર નીતિન ગરવા: Bhuj: રાજ્યમાં અવારનવાર છેડતી, અડપલાં તેમજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે ભુજ તાલુકાના મમુઆરા પાટિયા પાસે આવેલ હસ્તિક હોટેલમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ થયું હોવાનું સુત્રો દ્વારા માહિતી મળી છે. નોંધનીય છે કે, સગીરા સાથે થયેલ દુષ્કર્મના બનાવને લઈને સગીરાના પિતાએ માધાપર પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા અને પોક્સોની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ માધાપર પોલીસ અને પદ્ધર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ધાણેટી ગામે રહેતા સચિન ડુંગળીયા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવકે હોટેલમાં કામ કરતા તેના મિત્રની મદદ લઇને હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેને લઇ ગઈકાલે પદ્ધર પોલીસ દ્વારા હસ્તિક હોટેલ એન્ડ રેસીડેન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે હોટેલમાં CCTV ચેક કરતા અન્ય આરોપીઓની સંડોવણી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સંચાલક સત્યમ ડાયાભાઈ ચાવડાની પૂછપરછ કરી તેની સામે જાહેરનામા અંગે ફરિયાદ દાખલ કરી છે. હોટેલમાં કોઈપણ જાતના આધાર પુરાવા લીધા વગર અને હોટેલના મુસાફર અંગેના રજીસ્ટર અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રહેવા માટે રૂમ આપ્યા અંગે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે? શું યુવતીઓને ફસાવવા આખી ગેંગ કામ કરી રહી હતી? શું ગુનેગારોએ પહેલાથી સગીરાને ફસાવવા રચ્યું હતું કાવતરું? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઇ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં તો અનેક ઘટસ્ફોટ થાય તેમ છે.