December 23, 2024

“છોટાઉદેપુરનું ભેખડીયા ગામ વ્યસન મુકત બન્યું”, CMએ ગામના સરપંચને લખ્યો પત્ર

છોટાઉદેપુર: એક તરફ જ્યાં આજે મોટા શહેરોમાં વ્યસન મુક્તિ માટે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને તેના માટે ઊંચા ખર્ચે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ એવું છે જે સંપૂર્ણ વ્યસન મુક્ત થયું છે અને આ ગામની સિદ્ધિને ખુદ મુખ્યમંત્રીએ બિરદાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના સરપંચને પત્ર પણ લખ્યો છે. વાત છે છોટાઉદેપુર જિલ્લાના ભેખડિયા ગામની જે વ્યસન મુક્ત બન્યું છે.

ભેખડિયા ગામ વ્યસન મુક્ત બનતા સીએમ પટેલએ ગામના સરપંચ રેન્દુભાઈને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી એ લખ્યું છે કે આપનું છોટાઉદેપુર જિલ્લાનું ભેખડિયા ગામ વ્યસન મુક્તિ બન્યું તથા ગામના લોકોએ ડીજે કટાકડાનું પ્રદૂષણ અટકાવ્યું તથા માંસાહાર પણ ત્યજી દીધો હોવાની જાણકારીથી પ્રસન્નતા અનુભવું છું.”

મુખ્યમંત્રીએ આગળ લખ્યું, “આપણો ભારત દેશ આજે વિશ્વનો સૌથી યુવા દેશ હોવાનું સૌભાગ્ય ધરાવે છે. ત્યારે આપણી નવી પેઢી વ્યસનોથી મુક્ત રહે એ મહત્વનું કાર્ય બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વ્યસનમુક્ત ભારત માટેના સઘન પ્રયાસ થઈ રહ્યા છે. તંદુરસ્ત યુવા પેઢી દેશની અમૂલ્ય ધરોહર સમાન હોય છે.

વધુમાં મુખ્યમંત્રીએ લખ્યું, “આપનું ભેખડિયા ગામ વ્યસન મુક્ત બન્યું છે તે પ્રશંશનીય છે. આશરે 1900 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈપણ વ્યક્તિને બીડી, તમાકુનું વ્યસન નથી એના પ્રમાણરૂપ ગામમાં ક્યાંય તમાકુ કે તમાકુની બનાવટ વેચતી દુકાન 1 ગલ્લો સુદ્ધાં નથી તે આવકાર્ય બાબત છે. જુનાગઢના ખડપીપળીના મનમુખભાઈએ ભેખડીયા અને જાખલી ગામમાં રહીને લોકોને વ્યસન મુક્તિ માટે પ્રેર્યા તે માટે તેઓ હ્રદયપૂર્વક અભિનંદનના અધિકારી છે. તમામ ગ્રામવાસીઓએ વ્યસનથી થતા નુકસાનને સમજીને એનો ત્યાગ કરી ગામને વ્યસનમુક્ત બનાવ્યું તે માટે મહેં સર્વે ગ્રામજનોનું આ કાર્ય બિરદાવવા લાયક છે. આ જ પ્રકારે સદમાર્ગે ચાલીને આપ સહુ ગ્રામજનો જીવનની સાર્થકતા પામતા રહો એવી અંતરતમ્ શુભકામનાઓ પાઠવું છું.”