December 26, 2024

ભાવનગરમાં પણ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન, સરકાર પાસે સહાયની માગ

ભાવનગરઃ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતપાકોને વ્યાપક નુકશાન થયું છે. ગઈકાલે ભાવનગર જિલ્લાના સિહોર, ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેના કારણે સોનગઢ, આંબલા, રામધરી, બજુડ, સણોસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે. પાકવાની તૈયારીમાં ઉભેલા પાકમાં નુકશાન થતા ખેડૂતોએ સરવે કરાવી સરકાર થોડીઘણી સહાય ચૂકવે તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃ ગીર-ગઢડામાં આવેલા ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીને બ્રેઇન વોશ કરવાનો આક્ષેપ

હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે ભાવનગર જિલ્લાના તાલુકા પંથકમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતપાકને થયેલા નુકસાન અંગે સાચી હકીકત જાણવા માટે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. જેમાં શિહોર તાલુકાના સોનગઢ, આંમલા, બજુડ, રામધરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાડી ખેતરોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે, આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. જેમાં લીંબુ, આંબા, જમરૂખ તેમજ બાગયતી ખેતીના આંતરપાક તરીકે તલ, જુવાર વગેરેની ખેતી કરતા હોય છે.

આ પણ વાંચોઃ નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો

ગઈકાલે અચાનક જ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. લીંબુમાં મોટાભાગના છોડમાં લીંબુ ખરી ગયા છે, તેમજ આંબામાં પણ કેરી ખરી જવાના કારણે વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત જમરૂખના કેટલાય છોડ ભારે પવનના કારણે જડમૂળથી ઉખડી ગયા છે. જ્યારે આંતરપાકમાં પણ વ્યાપક નુકસાન થવાના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે, હાલ ખેડૂતોને એક વીઘે અંદાજીત 50 હજાર કરતાં વધુનું નુકસાન થયું છે. સરકાર કુદરતી આપત્તિ સમયે સહાયની જાહેરાત કરતી હોય છે. ત્યારે ખેડૂતોએ પણ ખેતીવાડીમાં થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા માગ કરી છે.