September 19, 2024

કાટોડિયા પ્રાથમિક શાળાની હાલત બદ્દતર, એકપણ ઓરડો જ નથી!

ભાવનગરઃ સિહોર તાલુકાના કાટોડીયા ગામે આવેલી કાટોડિયા પ્રાથમિક શાળા 1956માં નિર્માણ થયેલી શાળા હાલ વર્ગખંડ વગરની છે. છતાં વિદ્યાર્થીઓ મજબૂરીને કારણે પણ ત્યાં અગવડતા વચ્ચે ભણવા માટે મજબૂર થયા છે. ત્યારે સ્કૂલમાં ધોરણ 1થી 8માં કુલ બે શિફ્ટમાં 76થી વધુ બાળકો ભાવિ ઘડી રહ્યા છે. પણ આ શાળામાં અત્યારે એકપણ ઓરડો નથી. બાળકો શાળાના ખુલ્લા મેદાનમાં અને સ્કૂલની બાજુમાં આવેલા મંદિરમાં બેસીને ભણી રહ્યા છે. વહેલી તકે સ્કૂલમાં નવા ઓરડા બનાવવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

સિહોર તાલુકાની કાટોડીયા ગામની કાટોડિયા પ્રાથમિક શાળા વર્ષ 1956માં બનાવવામાં આવી હતી. આ સ્કૂલની સ્થિતિ દયનીય છે. હાલ આ સ્કૂલમાં બે શિફ્ટમાં ધોરણ 1થી 8ના કુલ 76 બાળકો ભણી રહ્યા છે. આ શાળામાં અત્યારે એક ઓરડામાં શાળાના ખુલ્લા મેદાનમાં કે ગામમાં કોઈ મંદિરમાં બેસીને ભાવિ ઘડી રહ્યા છે. જેને લઈ બોર્ડ કે પ્રોજેકટરની સુવિધા ઉપલબ્ધ ન થઈ શકતો નથી. બાળકો સાથે પૂરતો સંવાદ થઈ શકતો નથી. જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા ઓરડા જ નથી ત્યાં તેમના ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત જ ક્યાં કરવી. આ બાબત ગંભીર ગણાય.

સ્કૂલની આ પરિસ્થિતિને કારણે વર્ષ 2020થી આ શાળાના પ્રવેશઉત્સવ કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવી છે. નથી કોઈ રાજકીય નેતા કે કોઈ સ્થાનિક નેતાઓ આ સ્કૂલનું પગથિયું ચડ્યાં. જ્યારે સમાજમાં શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીવર્ગમાં જાગૃતતા વધી છે, ત્યારે વિદ્યાર્થીઓને થતો આ અન્યાય અક્ષમ્ય ગણાય. વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ખિલવાડ કહેવાય. સરકારે આ બાબતને ગંભીર ગણી કાટોડિયા પ્રાથમિક શાળામાં વહેલી તકે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઓરડા ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

આ બાબતે પ્રિન્સિપાલ જણાવે છે કે, કાટોડિયા પ્રાથમિક શાળામાં હાલમાં 76 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી એટલે કે 2021થી વિધાર્થીઓ સ્કૂલમાં આવેલા ખુલ્લા મેદાનમાં તેમજ સ્કૂલની બાજુમાં આવેલા માતાજીના મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. આ બાબતે અમે અમારા ઉપરી અધિકારીને રજૂઆત કરી છે કે, વહેલી તકે સ્કૂલમાં નવા ઓરડા બનાવી આપવામાં આવે છે. જેથી વિધાર્થીઓ આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે, એટલે સરેરાશ વર્ષમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી અન્ય ગામની સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. હાલ નવા ઓરડા બનાવી સરકારમાં ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે પણ કોઈ પ્રકારે કોઈ કોન્ટ્રાકટર ટેન્ડર ન લેતા કામમાં વિલંબ થઈ રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં ઓરડાની સુવિધાના અભાવે સિહોર તાલુકાની કાટોડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના ગ્રાઉન્ડમાં અને નજીકના મંદિરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. 2021 માં કાગળ પર પ્રાથમિક શાળાના ઓરડાવો મંજૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ ત્રણ વર્ષ બાદ પણ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા નથી આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ન્યુઝ કેપિટલ ને જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે અને આગામી એક મહિનામાં શાળાના ઓરડાઓનું કામ શરૂ કરી દેવામાં આવશે.