ભાવનગરના ભાનગઢમાં કોઝવે તૂટી જતા તંત્રએ માટી પાથરી, હવે લોકો બોટનાં સહારે!

ભાવનગરઃ સિહોરના ભાણગઢ ગામ તંત્રના પાપે ફરી એક વખત ગામલોકો મુશ્કેલીમાં મુકાયાં છે. ગામના મુખ્ય કોઝ વેનું સમારકામ ન થતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ગ્રામલોકો અવરજવર માટે કોઝવેનો ઉપયોગ કરતા હતા. ત્યારે હવે કોઝવે પર પાણી ફરી વળતા ધોવાઈ ગયો છે અને હવે ગામલોકો બોટનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યાં છે. એક વર્ષ અગાઉ ગામનો મુખ્ય કોઝવે તૂટી ગયો હતો. ત્યારે ગ્રામજનોએ તંત્ર પર નબળી કામગીરી અને નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવાનો આક્ષેપ કર્યો હતો.
તો ચોમાસાના કારણે કાળુભાર નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. ત્યારબાદ કોઝવે પર માત્ર માટીથી જ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. ગામમાં કોઈ આપાતકાલિન સેવાની જરૂરિયાત પડે તો 35થી 40 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. આ કોઝવે ભાણગઢ, આણંદપર, પાળીયાદ અને દેવળીયા ગામમાં જવા માટેનો મુખ્ય માર્ગ હતો.