વરસોલાના પગપાળા સંઘને ભાવનગરમાં અરસ્માત નડ્યો, ત્રણ યાત્રાળુનાં ઘટનાસ્થળે મોત
ભૌમિક સિદ્ધપુરા, ભાવનગરઃ ખેડાના વરસોલા ગામનો સંઘ પગપાળા ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિરે આવી રહ્યો હતો. તે સમયે ભાવનગરના સનેસ ગામ નજીક કાળમોખા ટ્રકે સાત યાત્રાળુઓને અડફેટે લીધા છે. જેમાં ઘટનાસ્થળે જ પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુ મળી કુલ ત્રણના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ચારને ગંભીર હાલતમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રકચાલક અકસ્માત સર્જીને નાસી ગયો છે. આ સમગ્ર બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના બનતા યાત્રાળુઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભાવનગર-અમદાવાદ હાઈવે રોડ ઉપર છાસવારે હિટ એન્ડ રનની ઘટના અને અકસ્માતની ઘટના બનતી હોય છે. તેમાં મોડી રાત્રે પણ સનેસ પોલીસ ચોકી નજીક જ હિટ એન્ડ રનની ઘટના બની છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં સાત યાત્રાળુઓને અડફેટે લીધા છે. જેમાં ઘટનાસ્થળ પર જ પુત્ર વિજય ગઢવી અને તેમના પિતા ધીરુભાઈ ગઢવીનું મોત થયું છે. આ સાથે જ અન્ય એક યાત્રાળુ પ્રતાપસિંહ ચૌહાણ નામના વ્યક્તિનું પણ મોત થયું છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ ત્રણ યાત્રાળુઓનાં મોત થયા છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં ગુલાબભાઈ બાબુભાઈ અને અન્ય બે યાત્રાળવોને ગંભીર ઈજા પહોંચી છે. તેમને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. આ સાથે જ મૃતકોને પણ ભાવનગર સિવિલ હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં IPSની બદલી, સુરતના નવા CP અનુપમસિંહ ગહેલોત
આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી 9 એપ્રિલના રોજ એટલે કે આજથી પાંચ દિવસ પહેલા 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા દર્શનાર્થે આવી રહ્યો હતો. તે સમયે ભાવનગર – અમદાવાદ હાઈવે પર ભાવનગરથી માત્ર 30 કિમી દૂર મોડી રાત્રિના સમયે સાત લોકોનું યાત્રાનું ગ્રુપ પગપાળા ચાલીને જઈ રહ્યું હતું. તે સમયે ટ્રકચાલકે બેફામ હંકાવીને સાત લોકોને અડફેટે લીધા હતા અને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ?
મૃતકોનાં નામ
1. વિજય ધીરુભાઈ ગઢવી ઉ.વ.28 રહેવાસી. વરસોલા, મહેમદાવાદ,ખેડા જિલ્લા
2. ધીરુભાઈ ગઢવી ઉ.વ.50 રહેવાસી. વરસોલા,મહેમદાવાદ, ખેડા જિલ્લા
3. પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ ઉ.વ.30 રહેવાસી. વરસોલા, મહેમદાવાદ, ખેડા જિલ્લા
ઈજાગ્રસ્તોનાં નામ
1. બાબુભાઈ ડાભી ઉ.મ.40 રહેવાસી. વરસોલા, મહેમદાવાદ, ખેડા જિલ્લા
2. બકાભાઇ પટેલ ઉ.મ.60 રહેવાસી. વરસોલા, મહેમદાવાદ, ખેડા જિલ્લા
3. ગુલાભાઈ રાઠોડ ઉ.મ.30, રહેવાસી. વરસોલા, મહેમદાવાદ, ખેડા જિલ્લા
4. અજાણ્યા વ્યક્તિ