ભાવનગર પાલિકાના ભોગે પ્રજાને દંડ! બગીચાનું કામ 3 વર્ષથી ખોરંભે ચડ્યું

ભાવનગરઃ મહાનગરપાલિકાની અણઘડ નીતિને કારણે પ્રજાને કરોડો રૂપિયાનું નુકશાન ભાગવું પડે છે. શહેરના ભરતનગર ચોકડી પાસે હાઉસિંગ બોર્ડની જગ્યામાં કામ પાર્ક માટેનું કામ શરૂ કરી દીધા પછી હાઉસિંગ બોર્ડ પાસે મંજૂરી લેવા જાય છે. હાઉસિંગ બોર્ડે મંજૂરી ન આપતા બગીચાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે ચડેલું છે.
શહેરને સુંદર અને રળિયામણું બનવા માટે મનપા દ્વારા અનેકો પ્રોજેક્ટ કરવામાં આવું રહ્યા છે, પરંતુ અધિકારીઓની સૂઝબૂઝના અભાવે કોઈ પ્રોજક્ટ સમયસર પૂરો થઈ શકતો નથી. ભરતનગર ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા આવેલી છે. તે જગ્યાને ડેવલપ કરી લોકોની સુખાકારી માટે મનપા દ્વારા માગણી કરવામાં આવી હતી. જેમાં GHB દ્વારા ૧૧૩૩૦ સ્ક્વેર મીટર જગ્યા મનપાને બગીચો બનવા માટે મંજૂર કરી હતી. પરંતુ મનપા દ્વારા મંજૂર કરેલી જગ્યાની બાજુમાં આવેલી વધુ ૮૦૦૦ સ્ક્વેર મીટર જગ્યા જે GHBની કબજાની છે, તેનો પણ ઉપયોગ બગીચો બનવામાં ઉપયોગમાં લેવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાઉસિંગ બોર્ડને જાણ થતા કામ અટકાવી દેવામાં આવ્યું છે અને અત્યારે બગીચાનું કામ ખોરંભે ચડેલું છે.
પ્રોજેક્ટેડ બગીચાની જગ્યા ઉપર અત્યારે ઝાડી ઝાંખરા ઉગી ગયા છે અને ત્યાં ઝૂંપડપટ્ટી પણ બની ગઈ છે. બગીચામાં મનપા દ્વારા બાંધકામ પણ કરવામાં આવ્યું છે, જે અધૂરું છે અને અત્યારે તે ખંડેર બન્યું છે. જેને કારણે પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો થયો છે. મહાનગરપાલિકાના સૂઝબૂઝ વગરના અધિકારીઓ દ્વારા વિકાસના કામો ખોરંભે ચડતા લોકો ભારે પરેશાન થાય છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ તો આ સિવાયના પણ ઘણા બધા કામો માટે ભાજપ સંચાલિત મનપા ઉપર પ્રહારો કર્યા છે.