January 7, 2025

50 લાખની નકલી નોટ સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરથી એકને ઝડપ્યો

ભાવનગરઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 50 લાખની ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં ભાવનગરથી વધુ એક ઈસમની ધરપકડ કરી છે. ઘોઘાના સાણોદર ગામના રહેવાસી ઐયુબ બિલખીયને ડુપ્લિકેટ નોટ મામલે પકડ્યો છે.

થોડા દિવસ પહેલા જ ભાવનગરના આર્યન જાંબુચા નામના યુવકને 50 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જે ઈસમને ઉઠાવ્યો છે તે ઐયુબ 2 વર્ષ પહેલાં પણ શહેરના ભરતનગર વિસ્તારમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાઈ ચૂક્યો છે.

હાલ આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. આર્યન જાંબુચા અને ઐયુબ નામના વ્યક્તિના કનેક્શન અંગે પણ માહિતી મેળવવાની શરૂ કરી છે. આ ઉપરાંત કોના દ્વારા ડુપ્લિકેટ નોટ બનાવવામાં આવતી હતી અને મુંબઈ કોને આ ડુપ્લિકેટ નોટ આપવાની હતી તે તમામ દિશા તરફ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.