December 23, 2024

ખનિજ માફિયાઓને અધિકારીની માહિતી આપતા 2 લોકોની ધરપકડ, ભાવનગર પોલીસની કાર્યવાહી

Bhavnagar Mineral mafia gave details of officers police arrested 2 accused

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગરઃ ખનિજ માફીયાઓને અધિકારીઓની માહિતી અને લોકેશન આપતા 5 લોકો સામે ખાણ ખનિજ વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકો વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓની આવનજાવન અંગે એકબીજાને માહિતી આપતા હતા. જેના કારણે જ્યાં ચોરી થતી હતી, ત્યાં બધું સગેવગે થઈ જતું હતું. આ અંગે ફરિયાદ થતા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર ખનિજ ચોરી થાય છે. ખનિજ વિભાગના અધિકારીએ યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે સરકારી કામમાં રૂકાવટ અંગે ગુનો નોંધાવ્યો છે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, ‘અમારી ટીમ ચેકિંગમાં નીકળે ત્યારે કેટલાક શખ્સો અમારો રેકી કરતા હતા. આ વિગત અમને મળતા અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ શખ્સો કલેકટર કચેરીમાં બેસીને ખનિજ ચોરોને અધિકારીનું લોકેશન આપતા હતા. હવે પોલીસે આ શખ્સો સામે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી બે શખ્સોને ઝડપી લીધા છે.’

આ પણ વાંચોઃ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

ભાવનગર પોલીસને ફરિયાદ મળતા 5માંથી 2 આરોપીને તાત્કાલિક ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સો વોટ્સએપ ગ્રુપ મારફતે એકબીજાને અધિકારીની લોકેશન આપતા હતા અને ત્યારબાદ બધું સુપેરે પાર પાડતા હતા. જો કે, આ ઘટના ઉપરથી એમ પણ થાય છે કે, ખાણ-ખનિજ વિભાગ દરોડા પાડવા જાય ત્યારે તેનો સ્ટાફ અને પોલીસ સાથે હોય છે. તેમાંથી કોઈને આવા તત્વો સાથે સાંઠગાંઠ હોવાના પણ સવાલો ઉઠવા પામ્યા છે.