November 15, 2024

ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભાવનગરઃ જિલ્લાના કોળિયાકમાં આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગઈકાલ રાત્રેથી જ કોળિયાક ખાતે આવી પહોંચ્યા હતા. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સવારે દરિયામાં જવાની અનુમતિ આપવાની સાથે જ શ્રદ્ધાળુઓ આસ્થાભેર ભગવાનને ભેટવા માટે દોડ્યા હતા અને સમુદ્રમાં સ્નાન કરી નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી.

ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયાકિનારે સમુદ્રમાં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે જાણીતા છે. અહીંના સમુદ્રમાં લગભગ એક કિલોમીટર દુર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજે છે. સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહીં મહાદેવના દર્શન માટે જઈ શકાય છે. ક્યાંય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહીં જોવા મળે છે. સમુદ્રમાં ભરતી આવતાં જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોપ થઈ જાય છે અને સમુદ્રના પાણી ઉતરતા ફરી શિવજી ભક્તોને દર્શન આપે છે. અહીં તિથી મુજબ દરિયાના પાણીમાં ભરતી-ઓટ આવતી હોય તે મુજબ દર્શન થઈ શકે છે. અહીં સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્રમાં સ્નાન કરવાથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ જાય છે અને નિષ્કલંક થાય છે. તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંક મંદિરે દરિયાકિનારે ઉમટી પડ્યા હતા.

નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો, પાંડવો મહાભારતના યુદ્ધ બાદ સો કૌરવો, લાખો સૈનિકો અને વગેરેના મૃત્યુનું પાપ લાગ્યું હોવાથી કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્રકિનારે જઈ શિવજીની સ્થાપના કરી પૂજા કરવાની સલાહ આપી હતી. ત્યારે પાંડવો સમુદ્રકિનારે સોમનાથ પહોંચ્યા ત્યાંથી પ્રાચીમાં ભગવાન કૃષ્ણને મળ્યા હતા. ભગવાને તેમને કાળી નાવડી, કાળી ધજા, કાળી ગાય અને કડવી તુંબડી આપી હતી અને કહ્યું હતું કે, ‘સમુદ્રકિનારે જાવ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય, કડવી તુંબડી મીઠી થઈ જાય તે જગ્યા પર તમે શિવલિંગ સ્થાપિત કરી પૂજા કરજો. જ્યાં તમારા તમામ પાપો દૂર થઈ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી આ જગ્યા પર આવતા અહીં ધજા સફેદ થઈ જતા પાંચેય પાંડવોએ એકપછી એક એમ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. દ્રૌપદીએ ભવાની માતાજીની સ્થાપના કરી અને માતા કુંતાએ સ્થંભની સ્થાપના કરી હતી અને પૂજા કરી હતી. સમુદ્રમાં સ્નાન કરતા તમામનાં પાપો ધોવાયા હતા અને તમામ નિષ્કલંક થયા હતા. તેથી આ સ્થળ ‘નિષ્કલંક મહાદેવ’ તરીકે ઓળખાય છે.

અહીંયા દર વર્ષે બે દિવસ દરમિયાન એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય ત્યારે તેને લઈને અહીંના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી તેમજ કોળી સમાજ દ્વારા શ્રદ્ધાળુ માટે શીરાની પ્રસાદી બનાવવામાં આવે છે. અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓને પ્રેમભાવથી પ્રસાદી જમાડવામાં આવે છે. લાખો લોકો બે દિવસ દરમિયાન પ્રસાદીનો લાભ લેતા હોય છે.

સમગ્ર ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવ્યા હોવાથી સ્થાનિક પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તરવૈયાની ટીમ તહેનાત કરી દેવાય હતી. તેમજ આરોગ્યની ટીમને પણ સ્ટેન્ડ પર રાખી દેવામાં આવી હતી. એસપી સહિતના પોલીસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા.

નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે સમુદ્રનું અને સ્નાનનું મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણ મહિનાના આખરી દિવસે એટલે કે ભાદરવી અમાસે અહીંયા શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા. સમુદ્રમાં સ્નાન કરી નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી.